Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

તુર્કીએ ઉ. ઈરાકના કુર્દિસ્તાનમાં સૈન્ય હુમલાઓ શરૃ કરી દીધા

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં વધુ એક યુદ્ધ ઃ તુર્કીના ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર્સ અને ડ્રોન્સ કુર્દિશ ફાઈટર્સને ટાર્ગેટ કરીને હુમલાઓ કરી રહ્યા છે

કુર્દિસ્તાન, તા.૧૮ ઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તુર્કીએ ઈરાકમાં સૈન્ય અભિયાન શરૃ કરી દીધું છે. તુર્કીએ ઉત્તરી ઈરાકના કુર્દિસ્તાનમાં સૈન્ય હુમલા શરૃ કરી દીધા છે. તુર્કીના સંરક્ષણ મંત્રી હુલુસી અકરે આ અંગેની પૃષ્ટિ કરી છે. તુર્કીના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, તુર્કીના ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર્સ અને ડ્રોન્સ કુર્દિશ ફાઈટર્સને ટાર્ગેટ કરીને તેમના કેમ્પ, ટનલ, શેલ્ટર અને હથિયાર રાખવાના સ્થળો પર હુમલા કરી રહ્યા છે.

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, તુર્કી તરફથી કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી સાથે સંબંધિત ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યા. વધુમાં જણાવ્યું કે, તુર્કીની સેનાના કમાન્ડો પણ ઈરાકની સીમામાં દાખલ થઈ ગયા છે.

સંરક્ષણ મંત્રી હુલુસી અકરે જણાવ્યું કે, તુર્કીના ફાઈટર્સ પ્લેને પીકેકે સાથે સંબંધિત શેલ્ટર્સ, બંકર્સ, ટનલ્સ-સુરંગો, હથિયારોના ડિપો અને મુખ્યાલયો પર સફળતાપૂર્વક હુમલા કર્યા. કુર્દિશ ફાઈટર્સે ઉત્તરી ઈરાકમાં પગ જમાવ્યો છે અને તુર્કી પર હુમલા કરવા માટે તે ક્ષેત્રનો ઉપયોગ કરે છે.

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, તુર્કીએ પાછલા દશકાઓમાં અનેક સરહદો પાર કરીને કુર્દિશ ફાઈટર્સ વિરૃદ્ધ હવાઈ અને જમીની અભિયાન ચલાવ્યા છે. આ વખતનું આક્રમણ ઉત્તરી ઈરાકના મેટિના, જૈપ અને અવશિન-બસ્યાન ક્ષેત્રોમાં કરવામાં આવ્યું છે. 

તુર્કીએ કુર્દિશ ફાઈટર્સના પીકેકે સંગઠનના અનેક અડ્ડાઓ પર કાર્યવાહી કરી છે. પીકેકેને અમેરિકા અને યુરોપીય સંઘ દ્વારા પણ આતંકવાદી સંગઠન ઘોષિત કરવામાં આવેલું છે. તે ઈરાક, સીરિયા, ઈરાન અને આર્મેનિયામાં રહે છે. તેમની વસ્તી આશરે ૨.૫થી ૩ કરોડ જેટલી છે. તેવામાં કુર્દ સતત પોતાનો નવો દેશ બનાવવાની માગણી કરતા આવ્યા છે. આ માટે તેમણે જનમત સંગ્રહનો સહારો પણ લીધેલો છે.

આ બધા વચ્ચે તુર્કીના ઈસ્તાંબુલ ખાતે આજે સોમવારે મોટો વિસ્ફોટ થયો હતો. તેમાં ૧૦ લોકો ઘાયલ થયા હતા. ઈસ્તાંબુલના બેયોગલુ જિલ્લામાં વિસ્ફોટની ઘટના બાદ રેસ્ક્યુની કામગીરી શરૃ કરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ રહેણાંક ઈમારતની અંડરગ્રાઉન્ડ કેબલ લાઈનમાં આ વિસ્ફોટ થયો હતો.

 

(8:08 pm IST)