Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

દિવ્યાંશ-મનુરાજ ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના નવા ચેમ્પિયન

ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની નવમી સિઝન પૂરી થઈ ઃ જયપુર-ભરતપુરની બીટબોક્સિંગ-વાંસળી વગાડનારની જોડીને એક કાર અને ૨૦ લાખ રુપિયાની કેશ પ્રાઈઝ

મુંબઈ, તા.૧૮ ઃ સોની ટીવી પર પ્રસારિત થનારા રિયાલિટી શૉ ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટની નવમી સીઝનનો ગ્રાન્ડ ફિનાલે એપિસોડ રવિવારના રોજ હતો.

આ સીઝનના ગ્રાન્ડ ફિનાલે સુધી ઈશિતા વિશ્વકર્મા, ઋષભ ચતુર્વેદી, દિવ્યાંશ અને મનુરાજ, બોમ્બ ફાયર ક્રૂ, વૉરિયલ સ્ક્વોડ, ડિમોલિશન ક્રૂ અને બીએસ રેડ્ડી પહોંચ્યા હતા. પરંતુ દિવ્યાંશ અને મનુરાજે તમામને ટક્કર આપી અને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.

દિવ્યાંશ અને મનુરાજે રવિવારના રોજ ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સિઝન ૯ની ટ્રોફી જીતી છે. જયપુર અને ભરતપુરની બીટબોક્સિંગ અને વાંસળી વગાડનારની જોડીએ એક કાર અને ૨૦ લાખ રુપિયાની કેશ પ્રાઈઝ પોતાના નામે કરી છે.

આ સિવાય તેમને એક શાનદાર ટ્રોફી તો મળી જ છે. પ્રથમ રનર અપ ઈશિતા વિશ્વકર્મા અને બીજા રનર અપ બોમ્બ ફાયર ક્રૂને પાંચ લાખ રુપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું છે. આ સીઝનને અર્જુન બિજલાણીએ હોસ્ટ કરી હતી. કિરણ ખેર, શિલ્પા શેટ્ટી, બાદશાહ અને મનોજ મુંતશિર તેના જજ હતા.

રસપ્રદ બાબત એ છે કે દિવ્યાંશ અને મનુરાજ બન્ને અલગ અલગ પાર્ટનર સાથે ઓડિશન આપવા માટે આવ્યા હતા, પરંતુ સિઝનના અંત સુધીમાં તેમની જોડી બની ગઈ. શોમાં તેમના પર્ફોમન્સથી લોકો મંત્રમુગ્ધ થઈ જતા હતા.

તેમનું પર્ફોમન્સ દેશની જનતા, સેટ પર હાજર જજની સાથે સાથે સેલિબ્રિટિ મહેમાનોનું પણ દિલ જીતી લેતુ હતું. મોટાભાગે તેમને ગોલ્ડન બઝર મળતા હતા. તેમનું પર્ફોમન્સ જોઈને જજ પણ કહી રહ્યા હતા કે, શૉની ટેગલાઈન ગજબ દેશનું અજબ ટેલેન્ટના તેઓ જીવંત ઉદાહરણ છે.

શૉ જીત્યા પછી દિવ્યાંશે એક નિવેદનમાં કહ્યું કે, આ એક ક્રાંતિકારી જીત છે. મને લાગે છે કે હવે તમામ વાદકો, પછી તે બીટબોક્સર હોય, સિતાર વાદક હોય તે વાંસળી વગાળતા હોય, તમામ લોકોની ચર્ચા થશે અને તેમને વિશ્વાસ થશે કે તેમના સપના પણ સાકાર થઈ શકે છે.

(8:14 pm IST)