Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચિસથી એન્ટ્રી કરશે

બોલિવૂડના કિંગ ખાનની પુત્રી અભિનય ક્ષેત્રે ઝંપલાવશે ઃ રીમા કાગતીના પ્રોડક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં અગસ્ત્ય નંદા, ખુશી કપૂર અને વેદાંગ રૈના જોવા મળશે

મુંબઈ, તા.૧૮ ઃ લાંબા સમયથી શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનના બોલિવૂડ ડેબ્યુની રાહ જોવાઈ રહી છે. તે ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચિસ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આખરે હવે આ ફિલ્મનું શૂટિંગ શરુ કરવામાં આવ્યું છે. રીમા કાગતીના પ્રોડક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં સુહાના ખાન સિવાય અગસ્ત્ય નંદા, ખુશી કપૂર અને વેદાંગ રૈના પણ જોવા મળશે.

આ ફિલ્મને ઝોયા અખ્તર કો-પ્રોડ્યુસ પણ કરી રહી છે. રીમા કાગતીએ ઈન્સ્ટાગ્રામ પર ક્લેપ બોર્ડની તસવીર પણ શેર કરી છે. તેમણે આ ફોટો શેર કરીને શૂટિંગ શરુ થયું હોવાની જાહેરાત કરી છે. આ પહેલા અમારા સહયોગી ઈટાઈમ્સ દ્વારા પ્રથમ લુક ટેસ્ટની તસવીરો શેર કરી હતી. ધ આર્ચિઝમાં સુહાના ખાન વેરોનિયાક લૉજ, અગસ્ત્ય આર્ચી એર્ન્ડ્યુ અને ખુશી બૈટી કૂપર તેમજ વેદાંગ જહહેડ જોન્સના પાત્રમાં જોવા મળશે.

આ મ્યુઝિકલ ફિલ્મના માધ્યમથી ચાર એક્ટર્સ બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. ધ આર્ચીઝ અમેરિકન ટીન ડ્રામા રિવરડેલનું હિન્દી અડેપ્શન છે. જો કે ભારતના દર્શકોને ધ્યાનમાં રાખીને તેને દેસી ટ્વિસ્ટ સાથે બનાવવામાં આવશે. અત્યાર સુધી ડિરેક્ટર ઝોયા અખ્તરે સત્તાવાર ધોરણે આ ડ્રીમ પ્રોજેક્ટની સ્ટારકાસ્ટની જાહેરાત નથી કરી.

ઝોયા અખ્તરે વર્ષ ૨૦૨૧માં આ ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યુ હતું કે તે ધ આર્ચીઝ બનાવવા બાબતે ઘણી ઉત્સાહિત છે. તેણે જણાવ્યું કે બાળપણમાં તે આ સિરીઝને ખૂબ પસંદ કરતી હતી. આ શૉને આખી દુનિયામાં પસંદ કરવામાં આવ્યો હતો. અત્યારે ઝોયા અખ્તર પોતાની અપકમિંગ ફિલ્મ ખો ગયે હમ કહાં પણ બનાવી રહી છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાન અને પત્ની ગૌરી ખાનના ત્રણ બાળકો છે, સુહાના ખાન, આર્યન ખાન અને અબ્રામ ખાન. સુહાના ખાન તો બોલિવૂડમાં એન્ટ્રી માટે તૈયાર છે, પરંતુ આર્યન ખાન બોલિવૂડને લગતું કામ કરશે અથવા અન્ય કોઈ ફીલ્ડમાં હાથ અજમાવશે તે હજી જાણવા નથી મળ્યું.

(8:16 pm IST)