Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

દિલ્હીના જહાંગીર પુરીમાં હિંસા અંગે બજરંગ દળ અને વિહિપ સામે એફ.આઈ.આર

પોલીસની મંજૂરી વિના શોભાયાત્રા કાઢી હતી :વિહિપના પ્રેમ શર્માની ધરપકડ

દિલ્હી પોલીસે હનુમાન જયંતિના દિવસે જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસા સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ વિરુદ્ધ પણ FIR દાખલ કરી છે.

આટલું જ નહીં, પોલીસે VHPના સેવા પ્રમુખ પ્રેમ શર્માની ધરપકડ કરી છે. આ કેસની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.

જહાંગીરપુરી હિંસા કેસમાં અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ મીડિયાને જણાવ્યું કે, હનુમાન જયંતિ પર જહાંગીરપુરીમાં નીકાળવામાં આવેલી શોભાયાત્રા માટે પોલીસ પાસેથી પરવાનગી લેવામાં નહતી આવી.

એવું કહેવાય છે કે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પાસે જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા નીકાળવા માટે કોઈ મંજૂરી નહતી. જેના કારણે પોલીસે કાર્યવાહી કરતાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રેમ શર્માની ધરપકડ કરી છે.

ઉત્તર-પશ્ચિમ જિલ્લાના ડીસીપી ઉષા રંગનાનીએ આ ધરપકડ અને FIRની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, જહાંગીરપુરી વિસ્તારમાં 16 એપ્રિલની સાંજે પોલીસની મંજૂરી વિના શોભાયાત્રા નીકાળવા બદલ 17 એપ્રિલે VHP અને બજરંગ દળના દિલ્હી યુનિટના આયોજકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ સંદર્ભે પ્રેમ શર્માની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ મામલે આગળની તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જહાંગીરપુરીમાં શનિવારે હનુમાન જયંતિના દિવસે નીકાળવામાં આવેલી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ બે જૂથો વચ્ચે હિંસા ભડકી ગઈ હતી. આ દરમિયાન પથ્થરો સાથે કાચની બોટલોનો પણ ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હિંસામાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી.

આ હિંસા દરમિયાન એક સબ ઈન્સ્પેક્ટરને ગોળી વાગવા સાથે કુલ 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી 8 પોલીસ કર્મચારી છે. આ ઘટનાની તપાસ માટે હવે સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પણ કામ કરી રહી છે.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

(9:07 pm IST)