Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો : ઈન્ફોસિન્સ ૯ ટકા તૂટયો

નવા સપ્તાહના પહેલા જ દિવસ ભારતીય શેરબજારની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસના શેરમાં 9 ટકાનો ઇન્ટ્રા-ડે કડાકો બોલાયો છે, બે વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. આ કડાકાનું કારણ કંપની દ્વારા નબળાં પરિણામ અને બ્રોકરેજ ફર્મ દ્વારા કંપનીના શેરની ટાર્ગેટ પ્રાઇટમાં ઘટાડો હોવાનું મનાય છે.

સોમવારના કડાકાને પગલે ઇન્ફોસિસની માર્કેટકેપ રૂ. 53 હજાર કરોડ ઘટીને રૂ. 6,82,101.64 કરોડ રહી હતી. ગત બુધવારે કંપનીની માર્કેટકેપ રૂ. 7,35,611.35 કરોડ નોંધાઇ હતી.

ઇન્ફોસિસનો શેર પાછલા બંધ ભાવ રૂ. 1748ની સામે સોમવારે રૂ. 1608ના સ્તરે ખુલ્યો હતો. કામકાજના શરૂઆતના સમયમાં શેર સુધરીને ઉપરમાં 1650 સુધી ગયો હતો. જો કે અપેક્ષા કરતા નબળાં પરિણામ અને બ્રોકેર ફર્મ દ્વારા શેરની ટાર્ગેટ વેલ્યૂ ઘટાડવામાં આવતા ભારે વેચવાલી શરૂ થઇ અને બપોરે 9 ટકા કે રૂ. 156 તૂટીને રૂ. 1592ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીએ આવી ગયો હતો, જે 23 માર્ચ, 2020 પછીનો સૌથી મોટો એક દિવસીય કડાકો છે. કામકાજના અંતે બીએસઇ ખાતે ઇન્ફોસિસનો શેર 7.27 ટકા કે રૂ. 127 ઘટીને રૂ. 1621 બંધ થયો હતો. આ કડાકાને પગલે કંપનીની માર્કેટકેપ રૂ. રૂ. 53 હજાર કરોડ ઘટીને રૂ. 6,82,101.64 કરોડ રહી હતી.

આઇટી ઇન્ડેક્સ પાંચ ટકા સુધી તૂટ્યા

બ્લુચિપ ઇન્ફોસિસના કડાકાથી અન્ય આઇટી સ્ટોક્સમાં પણ આંચકો અનુભવાયો હતો. જેની અસરે બીએસઇનો આઇટી ઇન્ડેક્સ નીચામાં 32799 થઇ સેશનને અંતે 4.76 ટકાના ઘટાડે 32952 બંધ થયો હતો. આઇટી ઇન્ડેક્સના 62માંથી 58 શેર ડાઉન હતા. જેમાં સૌથી વધુ ઘટનાર સ્ટોક્સમાં ઇન્ફોસિસ 7.3 ટકા, ટાટા એલેક્સિ 6.7 ટકા અને બિરલાસોફ્ટનો શેર 6.1 ટકા તૂટ્યો હતો. બીએસઇ ટેક્સ ઇન્ડેક્સ અને નિફ્ટી-આઇટી ઇન્ડેક્સ 4.6 ટકા તૂટ્યા હતા.

(9:09 pm IST)