Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

તૂર્કીએ ઉત્તરી ઈરાકમાં ઘૂસીને કૂર્દિશ બળવાખોરો પર જમીની તેમ જ હવાઈ હુમલા

બળવાખોરોના બંકરો તોડી પાડયા હોવાનો દાવો તૂર્કીએ કર્યો હતો: તૂર્કીના સંરક્ષણ મંત્રીએ આ અંગેની જાહેરાત: ઉત્તરી ઈરાકના મેટિના, જેપ અને અવાસિન-બસ્યાન વિસ્તારોમાં કૂર્દિશ બળવાખોરોના કેમ્પો ધમધમે છે

તૂર્કી:  તૂર્કીએ ઉત્તરી ઈરાકમાં ઘૂસીને કૂર્દિશ બળવાખોરો પર જમીની તેમ જ હવાઈ હુમલા શરૃ કર્યા છે. તૂર્કીના સંરક્ષણ મંત્રીએ આ અંગેની જાહેરાત કરી હતી. બળવાખોરોના બંકરો તોડી પાડયા હોવાનો દાવો તૂર્કીએ કર્યો હતો.

તૂર્કીના પ્રમુખ તૈયબ એર્ડોગને ઈરાકના સ્વતંત્ર પ્રદેશ મસરુર બાઝાની સાથે થોડા દિવસ પહેલાં મુલાકાત કરી હતી. એ પછી હવે ઈરાકના ઉત્તરી વિસ્તારમાં કૂર્દિશ હુમલાખોરો સામે લશ્કરી કાર્યવાહી થઈ છે.

તૂર્કીના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે મિત્રો અને સહયોગીની મદદથી આ લશ્કરી ઓપરેશન શરૃ થયું છે, જોકે એમાં કોઈ સરકારનો ઉલ્લેખ ન હતો.

ઉત્તરી ઈરાકના મેટિના, જેપ અને અવાસિન-બસ્યાન વિસ્તારોમાં કૂર્દિશ બળવાખોરોના કેમ્પો ધમધમે છે. ૧૯૮૦ના દશકાથી કૂર્દિશ બળવાખોરો તૂર્કી સામે લડી રહ્યા છે. તૂર્કીના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે આતંકવાદીઓનો ખાતમો કરવા માટે આ સૈન્ય અભિયાન શરૂ કર્યું છે અને તેના પ્રથમ તબક્કાને ધારી સફળતા મળી છે.

તૂર્કીએ એવો દાવો કર્યો હતો કે માત્ર આતંકવાદી કેમ્પોને જ નુકસાન પહોંચાડવા માટે આ ઓપરેશન હાથ ધર્યું છે. સાસ્કૃતિક અને ધાર્મિક રીતે કોઈ નુકસાન ન થાય તેનું વિશેષ ધ્યાન રખાયું છે. ઈરાકના નાગરિકોને પણ કોઈ નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવી છે.

જોકે, કૂર્દિશ બળવાખોરોએ આ બાબતે કોઈ જાહેરાત કરી ન હતી. ઈરાકની સરકારે પણ કોઈ નિવેદન આપ્યું ન હતું. કૂર્દિશ બળવાખોરો છેલ્લાં સાડા ત્રણ દશકાથી હુમલા કરે છે અને એમાં હજારો નાગરિકો માર્યા ગયા હોવાનો દાવો તૂર્કી કરે છે. કૂર્દિશ વર્કર્સ પાર્ટી નામનું સંગઠન આ હુમલા કરે છે. આ સંગઠનને અમેરિકા અને યુરોપિયન સંઘે પ્રતિબંધિત કર્યું છે.

(11:58 pm IST)