Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

બીજેપીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષનો ખુલ્‍લો પત્ર સામે આવ્‍યો : ર૦૪૭માં કેવું ભારત તમારે જોઇએ છે

વિપક્ષો હંમેશા વોટ બેન્કનું રાજકારણ, વિભાજનવાદી રાજકારણ અને પોતાની ઇચ્છિત રાજનીતિ જ ખેલી છે. પરંતુ હવે તે કામ લાગતી નથી

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દેશવાસીઓને સંબોધી ખુલ્લો પત્ર લખ્યો છે.

તેમાં તેઓએ ભવિષ્ય અંગે વિચારવા અને ૨૦૪૭માં ભારત માટેની યોજના તૈયાર કરવા અપીલ કરી છે. તેમાં તેઓએ ભારતીયોને કહ્યું છે કે, 'અત્યારથી જ વિચારવું રહ્યું કે ૨૦૪૭માં જયારે આપણે સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ પૂરા કરીશું ત્યારે દેશ કેવો બની રહેશે ?

આ સાથે નડ્ડાએ રાષ્ટ્રનિર્માણમાં યુવાનોનાં સક્રિય યોગદાનની માગણી કરતાં કહ્યું હતું કે, ભારતના યુવાનોને અવસર (તક) જોઈએ છે અવરોધ નહીં. તેઓએ તે પત્રમાં વિકાસનું રાજકારણ અપનાવવા વિપક્ષોને અપીલ કરી છે. સાથે વિપક્ષો ઉપર રાષ્ટ્ર ભાવના ઉપર જ સીધુ આક્રમણ કરવાનો અને મહેનતુ નાગરિકો ઉપર પણ આક્ષેપો મુકવાનો આરોપ મુક્યો.

તેઓએ આ મનનીય પત્રમાં તેમ પણ લખ્યું છે કે વિપક્ષો હંમેશા વોટ બેન્કનું રાજકારણ, વિભાજનવાદી રાજકારણ અને પોતાની ઇચ્છિત રાજનીતિ જ ખેલી છે. પરંતુ હવે તે કામ લાગતી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ ઉપર જ ભાર મુકયો છે. આથી દરેક ભારતીય નાગરિક સશક્ત બન્યો છે, તેને આગળ વધવા માટે પાંખો મળી છે.

કોંગ્રેસ ઉપર નિશાન સાધતાં તેમણે લખ્યું ૧૯૬૬માં ઇન્દિરા ગાંધી સરકારે ગૌહત્યા પ્રતિબંધની માગણી લઈને સંસદ ભવન પર કૂચ લઈ જતા સાધુઓ ઉપર ગોળીઓ વરસાવી હતી. ૧૯૮૪માં રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે એક મોટુ વૃક્ષ પડે છે ત્યારે ધરતી ધૂ્રજે છે. ગુજરાત, મુરાદાબાદ, ભીવંડી અને મેરઠમાં થયેલા રમખાણો, કાશ્મીર ખીણમાં હિન્દુઓ વિરૂધ્ધ થયેલી હિંસા, ભાગલપુરના રમખાણો - તેવી એક લાંબી સૂચી કોંગ્રેસ શાસન દરમિયાન જોવા મળે છે.

દલિતો અને આદિવાસીઓ ઉપર પણ કોંગ્રેસ શાસનમાં અત્યાચારો થયા હતા. આ સાથે યાદ રહે કે, બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસે જ સાંસદીય ચૂંટણીમાં હરાવ્યા હતા.

(12:49 am IST)