Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી

અત્યારે આવતા ૬૦ થી ૭૦ ટકા કેસ ઓમિક્રોનના છે : સામાન્ય શરદી - ખાંસી પણ કોરોના હોઇ શકે છે : કોરોનાને સામાન્ય ફલુ નહિ સમજતા : કારણ વિના રિપોર્ટ ન કરાવો

ઓમિક્રોનને કોઇ ઇમ્યુનીટી રોકી શકતી નથી : માસ્ક - સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી : ઘરમાં પણ માસ્ક પહેરો

અમદાવાદ તા. ૧૯ : કોરોના તીવ્ર ગતીએ વધી રહ્યો હોવાથી હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. સરકારે કોરોનની સ્થિતિને પહેંચી વળવા માટે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવિડ ટાસ્ક ફોર્સ ના સભ્ય ડોકટરો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ સંયુકત રીતે લોકોને કોરોનાથી બચવા શું કરવું જોઈએ તેની જાણકારી આપી હતી.

ટાસ્ક ફોર્સની બેઠક બાદ ડો. સુધીર શાહે જણાવ્યું કે, નવો વેરિઅન્ટ ઓમિક્રોન આવી ગયો છે. ૬૦થી ૭૦ ટકા ઓમિક્રોનના કેસો છે. ડેલ્ટા વેરિઅન્ટ પણ અત્યારે છે. ઓમિક્રોન ઝડપથી ફેલાય છે. જેમણે વેકિસન નથી લીધી એ અને બાળકો સજાગ રહે. ઓમિક્રોન માટે કોઈ જ દવા નથી. અગાઉની દવા કારગત નીવડી નથી.

આ વાઇરસને ગંભીરતાથી લેવાની જરૂર છે. દર્દીઓને બે કેટેગરી લો અને હાઈ ડીસીઝ એમ બે કેટેગરીમાં દર્દીઓને વહેંચવામાં આવશે. હાલમાં લો રિસ્ક છે અને દર્દીઓ ચારથી પાંચ દિવસમાં સાજા થઈ જાય છે. જેને પણ લક્ષણ હોય તેણે તરત ટેસ્ટ કરાવી દવા શરૂ કરવી જોઇએ.

ડો. દિલીપ માવલંકરે કહ્યું હતું કે કોરોના ઝડપથી ફેલાય છે અને હજી વધી રહ્યો છે. વેકિસનેશનથી દર્દીઓને હોસ્પિટલ જતા અટકાવી શકયા છીએ. કોરોના વધુ ફેલાય નહીં એ માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. આગામી ત્રણથી ચાર સપ્તાહમાં શી સ્થિતિ રહેશે એની ખબર પડી જશે. બિનજરૂરી બહાર ના જાઓ, મેળાવડા ટાળો, લક્ષણો હોય તો ઘરે જ આઈસોલેટ થઈ જાઓ, શરદી ખાંસી થાય તો ઘરમાં માસ્ક પહેરો. ઘરમાં હાઈ રિસ્ક દર્દીઓ હોય તો યુવાઓ એક મહિનો દૂર રહે. વૃદ્ઘો કે યુવાઓ કો-મોર્બિડ હોય તો તેમણે ઘરે ધ્યાન રાખવાની જરૂરી છે. પ્રસંગો તો આવ્યા કરશે, પણ એમાં ભીડ ના કરવી જોઈએ.

ડો. અતુલ પટેલે જણાવ્યું કે, અત્યારે જે કેસો આવે છે તેમાં વધારે ઓમિક્રોન છે. ગત વર્ષે આવેલા ડેલ્ટા અને ઓમિક્રોન બંને વચ્ચે મોટો તફાવત છે. ઓમિક્રોન કોઈ ઇમ્યુનિટીને ગાંઠતો નથી. ડેલ્ટા શરીરના અવયવોને નુકસાન કરતો હતો. ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાંને ઓછું નુકસાન કરે છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડે છે.

ઝાયડસ હોસ્પિટલના ડો.વી.એન શાહે કહ્યું હતું કે આ વાઇરસ ગયો નથી અને જવાનો નથી આપણે આની સાથે જીવવાનું છે. આને ફલૂ સમજવાની કોશિશ ન કરવી, પણ એને ગંભીરતાથી લેવાની જરૂર છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન જરૂરી છે. હજી પણ આગામી બે વર્ષ આ જરૂરી રહેશે. જે લોકો ICUમાં દાખલ છે એ લોકોએ વેકિસન નથી લીધી. હજી બાળકોને વેકિસન નથી મળી, જેથી આ વાઇરસને ગંભીરતાથી લો. ૭ દિવસ જ આઇસોલેશન છે અને ખાલી રિપોર્ટ ના કરાવવો જોઇએ. જેમને લક્ષણો હોય તેમણે જ રિપોર્ટ કરાવવો જોઈએ. લક્ષણો હોય અને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તોપણ RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી છે. જયાં ભીડ હોય ત્યાં બે માસ્ક પહેરવું જરૂરી છે.

ડો. તુષાર પટેલે કહ્યું હતું કે હાલમાં માઈલ્ડ પ્રકારના કેસો છે. માઇલ્ડ કેસોમાં તાવ આવે છે, ૧૦૧, ૧૦૨ ડીગ્રી અને બીજા દિવસે ૯૯ થઈ જાય છે. પેરાસિટામોલ ટેબ્લેટ લેવાથી તાવ ઓછો થઈ જાય છે. શરદી થાય છે અને નાક બંધ થઈ જાય છે. બે દિવસ અને ચાર દિવસ બાદ ખાંસી આવે છે. ગળામાં દુખાવો પણ થાય છે. ખાવામાં તકલીફ પડે છે. આ દુખાવાથી ગભરાવું નહિ. આ કેસોમાં લંગ્સમાં ઓછું ઈન્ફેકશન થાય છે. પ્રવાહી વધારે લેવું તેમજ ૪થી ૫ લિટર પાણી પીવું જોઈએ. સતત તાવ અને શરદી-ખાંસી થાય અને કો-મોર્બિડ હોય તેમને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. બહુ ઓછા લોકોને ઓકિસજનની જરૂર પડે છે. દર્દીઓએ શ્વાસ ચડે અથવા તકલીફ પડે તો જ હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.

આરોગ્ય મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ત્રીજી લહેર પીક પર જવાની તૈયારી હોય એવો અત્યારે ઉછાળો છે. ઓછામાં ઓછા લોકોને ઓકિસજન અને ICUની જરૂર પડે એવી વ્યવસ્થા સરકારે કરી છે. સરકારે SOP પ્રજા સમક્ષ મૂકી છે, જેનું પાલન કરવાની જવાબદારી લોકોની છે.પ્રજાએ SOPનું પાલન કરવું પડશે. માસ્ક માટે દંડનીય કાર્યવાહી ન કરીએ તેની જવાબદારી લોકોની છે. લોકોએ દંડ અને શિક્ષાત્મક કાર્યવાહીથી બચવા SOPનું પાલન કરવું પડશે. નવી SOP પરિસ્થિતિ મુજબ લાવીશું.

(3:55 pm IST)