Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ત્રીજી લહેરના એંધાણ ? દેશમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં વધારો

૨૪ કલાકમાં ૩૯૦૯૭ કેસ : ૫૪૬ મોત : દેશમાં કોરોનાથી રિકવરી રેટ ૯૭.૩૫% થયો છે : હાલ વીકલી પોઝિટિવિટી રેટ ૫ ટકા નીચે યથાવત

નવી દિલ્હી તા. ૨૪ : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૯ હજારથી વધુ કેસ નોંધાયા છે. જયારે ૫૪૬ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે દેશમાં ૩૫,૩૪૨ નવા કેસ નોંધાયા હતા અને ૪૮૩ લોકોના કોરોનાથી જીવ ગયા છે. આંકડા જોતા દેશમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક કહી શકાય. ત્રીજી વેવના એંધાણ લાગી રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૦૯૭ નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના કેસનો આંકડો હવે ૩,૧૩,૩૨,૧૫૯ પર પહોંચી ગયો છે. એક દિવસમાં જો કે ૩૫,૦૮૭ લોકો રિકવર થયા છે અને કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા ૩,૦૫,૦૩,૧૬૬ થઈ છે. હાલ દેશમાં ૪,૦૮,૯૭૭ એકિટવ કેસ છે.

કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૫૪૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૪,૨૦,૦૧૬ થઈ છે. ગઈ કાલે દેશમાં કોરોનાથી ૪૮૩ લોકોના મોત થયા હતા. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં રસીના કુલ ૪૨,૭૮,૮૨,૨૬૧ ડોઝ અપાયા છે.

દેશમાં કોરોનાથી રિકવરી રેટ ૯૭.૩૫% થયો છે. હાલ વીકલી પોઝિટિવિટી રેટ ૫ ટકા નીચે યથાવત છે. અને અત્યારે ૨.૨૨ ટકા છે. જયારે ડેઈલી પોઝિટિવિટી રેટ ૨.૪૦ ટકા છે. જે સતત ૩૩ દિવસથી ૩ ટકા નીચે જળવાઈ રહ્યો છે.

(11:34 am IST)