Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

વિશ્વભરમાં કોરોનાના ડેલ્ટા - ગામા સ્વરૂપનું તાંડવ : ૫.૬૮ લાખ નવા કેસ : ૮૮૯૯ લોકોના મોત

અમેરિકામાં ૨૪ કલાકમાં ૬૧૬૫૧ કેસ : વિશ્વમાં કુલ કેસ ૧૯.૩૩ કરોડ : બ્રાઝીલમાં ૧ લાખ નવા કેસ : ૧૩૨૪ના મોત : ફ્રાંસમાં આવતા નવા કેસમાં ૯૬% રસી ન લેનારા

જીનીવા તા. ૨૪ : દુનિયામાં કોરોના વાયરસનો પ્રસાર ઝડપથી થઇ રહ્યો છે. ૨૪ કલાકમાં દુનિયામાં કોરોનાના ૫ લાખ ૬૮ હજાર નવા કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં ૨૪ કલાકમાં ૮૮૯૯ લોકોના મોત થયા છે. જ્યારે ૩ લાખ ૮૮ હજાર દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ વિશ્વમાં કોરોનાના કુલ કેસ ૧૯.૩૩ કરોડ થઇ ગયા છે. કોરોનામાં અત્યાર સુધીમાં કુલ ૪૧.૫૦ લાખ લોકોના જીવ ગયા છે અને ૧૭.૫૭ કરોડ લોકોએ તેને માત આપી છે. અમેરિકામાં કોરોના કેસમાં ઝડપી વધારો થયો છે. ૨૪ કલાકમાં ત્યાં ૬૬૬૫૧ નવા કેસ આવ્યા છે. હવે અહીં કોરોના વાયરસના કુલ કેસ ૩ કરોડ ૫૨ લાખથી વધારે થઇ ગયા છે. એક દિવસમાં કોરોનાના કારણે સૌથી વધારે મોત બ્રાઝીલમાં ૧૪૪૪ અને ઇન્ડોનેશીયામાં ૧૪૪૯ થયા છે.

તો બીજી તરફ રશિયામાં ગામા વેરીયન્ટના નવા કેસો સામે આવ્યા છે. તેનાથી રશિયન સરકારની ચિંતા વધી ગઇ છે. આ વેરીયન્ટ સૌ પહેલા બ્રાઝીલમાં જોવા મળ્યો હતો. રશિયામાં જુલાઇની શરૂઆતથી જ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે ત્યાં એકટીવ કેસની સંખ્યા વધીને ૪.૭૫ લાખ થઇ ગયા છે.

જર્મનીમાં છેલ્લા એક અઠવાડિયામાં દર એક લાખ વ્યકિતએ ૧૨.૧ નવા કેસ નોંધાયા છે. જુલાઇની શરૂઆતની સરખામણીમાં અત્યારે નવા કેસનો દર ડબલથી વધારે થયો છે. બ્રિટનમાં પણ કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ત્યાં ૩૯૯૦૬ નવા કેસ આવ્યા છે તો ફ્રાંસમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૯૦૯ નવા કેસો આવ્યા છે. ત્યાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૫૩.૩૩ લાખ થઇ ગઇ છે. દેશના આરોગ્ય મંત્રી અનુસાર ડેલ્ટા વેરીયન્ટના કારણે છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસમાં ૧૫૦ ટકાનો વધારો થયો છે. ફ્રેન્ચ વડાપ્રધાન જોન કેસ્ટેકસે કહ્યું કે, દેશમાં નોંધાઇ રહેલા નવા કેસોમાં ૯૬ ટકા કેસ રસી નહીં લેનારા લોકોના છે.

બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૧ લાખ નવા કેસ નોંધાયા છે અને ૧૩૨૪ના મોત થયા છે.

(11:34 am IST)