Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

બ્રિટનમાં મળ્યું કોરોના વાયરસનું વધુ એક નવું સ્વરૂપઃ પહેલા કરતા પણ વધુ ઘાતક છે

દ.આફ્રિકા સાથે કનેકશન : ફલાઇટ ઉપર મુકાયો પ્રતિબંધ

લંડન તા. ૨૪ : બ્રિટનમાં કોરોના વાયરસનું ખૂબ જ ઝડપથી ફેલાયેલા સંક્રમણનો નવો સ્ટ્રેન મળી આવ્યા પછી હવે અહીં વાયરસનો અન્ય એક નવો સ્ટ્રેન સામે આવ્યો છે. બીજો નવો સ્ટ્રેન પણ ખૂબ જ સંક્રમક છે. એકસપર્ટ્સે ચેતવણી આપી છે કે વાયરસના નવા સ્વરુપના કારણે દેશને સંક્રમણની અન્ય લહેરનો સામનો કરવો પડી શકે છે. બુધવારે બ્રિટનમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક મામલાઓ સામે આવ્યા છે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હેનકોકે બુધવારે જણાવ્યું કે દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોવિડ ૧૯ના નવા સ્વરુપના પણ બે મામલાઓ બ્રિટનમાં મળ્યા છે. બ્રિટનમાં કોરોના વાયરસનો જે રીતે નવું સ્વરુપ મળ્યું છે. તે રીતે દક્ષિણ આફ્રિકામાં વાયરસના એક અલગ જ પ્રકારની જાણ થઈ છે.

હેનકોકે કહ્યું કે નવા સ્વરૂપના બન્ને કેસ લોકો ગત અઠવાડિયે દક્ષિણ આફ્રિકાથી પરત ફરી રહેલા વ્યકિતઓના સંપર્કમાં આવ્યા હતાં. વાયરસનું નવું સ્વરૂપ સામે આવવું એ ખૂબ જ ચિંતાજનક છે કારણકે ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાવે છે અને એવું પ્રતીત થાય છે કે બ્રિટનમાં મળેલા નવા સ્વરૂપ ઉપરાંત વાયરસમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીએ દક્ષિણ આફ્રિકાથી યાત્રા પર તરત જ પ્રતિબંધ લગાવવાની પુષ્ટી કરી અને કહ્યું કે ગત એક અઠવાડિયામાં દક્ષિણ આફ્રિકાથી આવેલા લોકોના સંપર્કમાં આવનાર લોકોને કવોરન્ટીનમાં જવું જોઈએ. બ્રિટનના વૈજ્ઞાનિક દક્ષિણ પૂર્વ ઈંગ્લેન્ડમાં એક પ્રયોગશાળામાં નવા વાયરસના સ્વરુપની તપાસ કરી રહ્યા છે. કોરોના વાયરસના નવા સ્વરુપના કારણે બ્રિટનના એક મોટા ભાગને પ્રતિબંધનો સામનો કરવો પડશે.

બ્રિટનમાં બુધવારે કોરોના સંક્રમણના રેકોર્ડ ૩૬,૮૦૪ કેસ નોંધાયા. મહામારી શરૂ થયા બાદ પહેલી વખત આટલા કેસ નોંધાયા છે. સંક્રમણના ઝડપથી ફેલાવાના કારણે પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં ક્રિસમસ પછી ૨૬ ડિસેમ્બરથી શ્રેણી ૪ના પ્રતિબંધો લગાવાશે. સંક્રમણથી બચવા માટે સંશોધિત નિયમો અંતર્ગત શ્રેણી એકથી ત્રણ અંતર્ગત આવતા વિસ્તારોના લોકો ક્રિસમસ પર એકબીજાને મળી શકે છે. શ્રેણી ચારના વિસ્તારમાં રહેતા લોકો ઘરના સભ્યોની સાથે જ ક્રિસમસ ઉજવી શકશે.

આ પહેલા બ્રિટનના પીએમ જોનસને શ્રેણી-૪ના કડક પ્રતિબંધોને તાત્કાલિક પ્રભાવથી લાગુ કરતા કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, કોરોના વાયરસનો એક નવો સ્ટ્રેન સામે આવ્યો છે, જે પહેલાના વાયરસની સરખામણીએ ૭૦ ટકા વધુ ઝડપથી ફેલાય છે અને લંડન અને દક્ષિણ ઈંગ્લેન્ડમાં ઝડપથી સંક્રમણ ફેલાવી શકે છે. સંક્રમણનો દર વધવાને લઈને રવિવારે કડક પ્રતિબંધોની સાથે લોકડાઉન લાગુ કરાયું હતું, જેને પગલે લાખો લોકોને ઘરની અંદર જ રહેવા મજબૂર થવું પડ્યું છે. બિનજરૂરી વસ્તુઓની દુકાનો અને ઈન્સ્ટિટ્યૂશન્સ બંધ કરી દેવાયા છે.

(11:03 am IST)