Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ચૂંટણી બોન્ડ ખરીદનારના નામ જાહેર કરવા કેન્દ્રીય માહિતી પંચે કર્યો ઇન્કાર

માહિતી સાથે કોઇ જાહેર હીત સંકળાયેલું નથી એમ કહીને અરજી ફગાવી દીધી

નવી દિલ્હી : કેન્દ્રીય માહિતી પંચે ચૂંટણી બોન્ડ ખરીદનારની માહિતી સાથે કોઇ જાહેર હીત સંકળાયેલું ના હોવાનું કહીને તે અંગેની માહિતી માટે થયેલી અરજીને ફગાવી દીધી છે. સ્ટેટ બેન્કે દલીલ કરી હતી કે પુણે ખાતેના આરટીઆઇ કાર્યકર વિહાર દુર્વેએ જે માહિતી માંગી છે તે વ્યક્તિગત માહિતી છે અને ગ્રાહકે બેન્ક પર મૂકેલા વિશ્વાસને તે માહિતી સાથે સંબંધ છે.  દુર્વેએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાઓ પાસેથી તેમના  હિસાબી ચોપડેથી ચૂંટણી બોન્ડ આધારે અનુદાન આપનાર અને લેનાર અંગે માહિતી માંગી હતી.

એસબીઆઇએ આ માહિતી આપવા ઇનકાર કરતાં  દુર્વેએ માહિતી પંચમાં અરજી કરીને દલીલ કરી હતી કે  સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રાજકીય પક્ષોના હીતને નહીં પણ જાહેર હિતની જાળવણી માટે છે.

આરટીઆઇ એક્ટની કલમ ૮ ત્રીજા પક્ષની મંજૂરી વિના તેની માહિતી પુરી પાડવાની મનાઇ ફરમાવે છે. પરંતુ આ કલમ એમ પણ કહે છે કે માહિતી અધિકારીને એમ લાગે કે માહિતી સાથે વ્યાપક જાહેર હિત સંકળાયેલું છે તો માહિતી અરજદારને આપી પણ શકે છે.

(12:21 am IST)