Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

વાલીઓ ખાસ ધ્યાન આપે

૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષથી જે બાળકે ૪ વર્ષ પૂરા કર્યા હશે તેને જ જુનિયર કે.જી.માં પ્રવેશ

નવી દિલ્હી, તા.૨૪: ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષે જૂનિયર કે.જી.માં પ્રવેશ માટે વાલીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે. ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષમાં જૂનિયર કે.જી.માં પ્રવેશ માટે જે બાળકને ૪ વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગે ધોરણ ૧માં પ્રવેશ માટેની ઉંમરમાં ફેરફાર કરતાં અત્યારથી જ તેની અસર વર્તાશે. બાળક ૪ વર્ષ કરતાં નાનું હશે તો તેને નવા સત્રમાં જૂનિયર કે.જી.માં પ્રવેશ અપાશે તો તે બાળક જયારે પહેલા ધોરણમાં આવશે ત્યારે તેને ૬ વર્ષ પૂરા ના થયા હોવાથી એડમિશન મળશે નહીં.

સરકારે ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧માં પ્રવેશની ઉંમર ૬ વર્ષ કરી છે પરંતુ તે માટે વાલીઓએ અત્યારથી જ સતર્ક રહેવું પડશે. રાજયમાં હાલ ૧ જૂને પાંચ વર્ષ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ ૧માં પ્રવેશ આપવાની જોગવાઈ અમલી છે. ચાલુ વર્ષે સત્ર શરૂ થયા બાદ જ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને ધોરણ ૧માં પ્રવેશ માટેની ઉંમરના નિયમમાં ફેરફાર કરાયો હતો. જે મુજબ હવે ધોરણ ૧મા પ્રવેશ માટે ૧લી જૂને બાળકની ઉંમર પૂરી ૬ વર્ષ હોવી જરૂરી છે. ચાલુ વર્ષથી આ નવા નિયમનો અમલ કરે તો અનેક પ્રશ્નો ઊભા થઈ શકે તેવું હોવાથી શિક્ષણ વિભાગે ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષથી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાના ત્રણ વર્ષ એટલે કે, ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષ માટે ધોરણ ૧માં પ્રવેશ માટેની ઉંમર ૫ વર્ષ જ રાખવામાં આવી છે.

સરકારના આ પરિપત્ર બાદ પણ લોકોમાં તે અંગેની સમજણ ના હોવાથી બાળકોને નાની ઉંમરે પ્રવેશ અપાવી રહ્યા છે. વાલીઓને હાલમાં તો તેની અસર વર્તાશે નહીં પરંતુ બાળક જયારે પહેલા ધોરણમાં આવશે અને તેની ઉંમર ૬ વર્ષ પૂરી નહીં થઈ હોય ત્યારે તેનું વર્ષ બગડશે. જેથી શિક્ષણ વિભાગ દ્વારા બુધવારે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સરકારના પરિપત્રનો લોકોમાં જોઈએ તેટલો પ્રચાર-પ્રસાર થયો નથી. જેથી આ અંગે વાલીઓને વધુમાં વધુ સમજ મળે તે માટે પ્રયાસ કરવાના રહેશે.

ધોરણ ૧માં ૬ વર્ષના નિયમનો અમલ ૨૦૨૩-૨૪ના વર્ષથી કરવામાં આવશે. જેથી નવા શૈક્ષણિક વર્ષમાં જૂનિયર કે.જી.માં પ્રવેશ લેતા બાળકોએ ખાસ તકેદારી રાખવાની રહેશે. અત્યાર સુધી એવું હતું કે બાળક ૩ વર્ષનું થાય એટલે તેને જૂનિયર કે.જી.માં પ્રવેશ આપી દેવાતો હતો. જો કે, હવે તેવું શકય નહીં બને. નવા શૈક્ષણિક વર્ષથી બાળકની ઉંમર ૪ વર્ષની હશે તો જ તેને જૂનિયર કે.જી.માં પ્રવેશ અપાશે. જેથી એક વર્ષ બાદ તે સિનિયર કે.જી.માં આવે ત્યારે તેની ઉંમર ૫ વર્ષની થઈ હશે. આ જ રીતે જયારે ૨૦૨૩-૨૪માં તે પહેલા ધોરણમાં આવશે ત્યારે તેની ઉંમર ૬ વર્ષ થઈ ગઈ હશે માટે પ્રવેશ માટે લાયક ગણાશે.

નવા સત્રમાં ૧ જૂને બાળકની ઉંમર ૪ વર્ષ કરતાં ઓછી હશે અને તેને જૂનિયર કે.જી.માં પ્રવેશ આપવામાં આવશે તો બે વર્ષ પછી જયારે તે ધોરણ ૧માં આવશે ત્યારે તેની ઉંમર ૬ વર્ષ પૂરી નહીં હોય માટે એ વખતે તેને એડમિશન નહીં મળે. માટે હાલ બાળકને સ્કૂલમાં મોકલવાની ઉતાવળ કરનારા વાલીઓને બે વર્ષ પછી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને બાળકનું એક વર્ષ બગડશે. જેથી નવા વર્ષે સ્કૂલમાં બાળકનો દાખલો લેતી વખતે વિશેષ તકેદારી રાખવી પડશે.

આ તરફ રાજયમાં હાલ સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણી સ્કૂલો વિદ્યાર્થીઓની ઉંમર ૩ વર્ષ જેટલી હોવા છતાં જૂનિયર કે.જી.માં પ્રવેશ આપી રહી હોવાનું માલૂમ થયું છે. આમ, શાળાઓને જાણ હોવા છતાં તેઓ પ્રવેશ માટે આવતા વાલીઓને કોઈ માહિતી ના આપતી હોવાની ફરિયાદ ઉઠી છે. શાળાઓ માત્ર પ્રવેશ પ્રક્રિયા પર ધ્યાન કેંદ્રિત કરી રહી છે. બે વર્ષ બાદ જયારે આ બાળકોને ધોરણ ૧માં પ્રવેશ નહીં મળે ત્યારે તેઓ દોષનો ટોપલો સરકાર પર ઢોળીને હાથ અદ્ઘર કરી દેશે.

(10:04 am IST)