Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

વયસ્ક વ્યકિત પસંદગીથી લગ્ન કે ધર્મ પરિવર્તન કરે તો કોઇ હસ્તક્ષેપ ના થઇ શકે : કલકત્તા HC

મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવેલી મહિલાએ કહ્યું હતુ કે તેણે પોતાની પસંદગીથી લગ્ન કર્યા છેઃ પિતાએ હાઇકોર્ટને કહ્યું પુત્રીનું નિવેદન કદાચ અનુ કૂળ વાતાવરણમાં નહોતુ લેવાયું

કોલકતા,તા. ૨૪: એક પિતાએ કલકત્તા હાઇકોર્ટ સમક્ષ અરજી કરીનેે રજુઆત કરી હતી કે તેની પુત્રીને એક બીજા ધર્મની વ્યકિત સાથે લગ્ન કરવા ખોટી રીતે પ્રભાવિત કરવામાં આવી છે.

કલકત્તા હાઇકોર્ટે આ કેસમાં ટિપ્પણી આપતાં જણાવ્યું હતુ કે કોઇ વયસ્ક મહિલા તેની મરજીથી લગ્ન કરે કે ધર્મપરિવર્તન કરે તો કોઇ હસ્તક્ષેપ ના થઇ શકે.

૧૯ વર્ષની યુવતીએ તેની પસંદગીના પાત્ર સાથે લગ્ન કર્યા પછી તેના પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમણે એવી ફરીયાદ કરી હતી કે , મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવેલું તેમની પુત્રીનું નિવેદન તેને માફક આવે તેવા વાતાવરણમાં કદાચ નહોતું લેવામાં આવ્યું.

આ કેસમાં પિતાએ દાખલ કરેલી ફરિયાદને પગલે યુવતીને ન્યાયકીય મેજિસ્ટ્રેટ સમક્ષ પેશ કરી હતી મેજિસ્ટ્રેટ સમક્ષ મહિલાએ નિવેદન આપ્યું હતુ કે તેણે પોતાની ઇચ્છાથી લગ્ન કરેલા છે.

ન્યાયમૂર્તિ સંજીબ બેનરજી અને અરિજિત બેનરજીએ જણાવ્યું હતુ કે, કોઇ વયસ્ક મહિલા પોતાની પસંદગીથી લગ્ન કરે કે ધર્મપરિવર્તન કરે તો આવા કિસ્સામાં કોઇ હસ્તક્ષેપ ના થઇ શકે.

તેમ છતાં પિતાની ફરિયાદને પગલે હાઇકોર્ટે લગ્ન કરનારી મહિલા તેહાટ્ટાના વરિષ્ઠ ન્યાયાધીશને મળશે. મહિલા પર કોઇ જબરજસ્તી ના થાય તેની તકેદારી રાખવામાં આવે. બેન્ચે નોંધ લીધી હતી કે અધિક જિલ્લા ન્યાયધીશે સ્પષ્ટ અહેવાલ આપ્યો હોવા છતાં પિતાના મનમાં હજી શંકા છે. પિતા વતી હાઇકોર્ટમાં રજુઆત કરી રહેલા સુમિતા સહા દત્તાએ દલીલ કરી હતી કે ન્યાયધીશ સમક્ષ મહિલા નિવેદન આપવા હાજર થઇ ત્યારે પતિ કોર્ટ સંકુલમાં હાજર હતો.

(10:05 am IST)