Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કોરોનાના નવા સ્વરૂપને રોકવાના નિયમોથી એરપોર્ટસ પર અરાજકતા : પેસેન્જર્સ હેરાન-પરેશાન

નવા નિયમોના કારણે લોકોએ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું અને ઘણી મૂંઝવણ પણ ઊભી થઈ હતી

મુંબઈ,તા.૨૪: કોરોના વાયરસના નવા સ્વરૂપને ફેલાતો રોકવા માટે બનાવવામાં આવેલા નવા નિયમોના કારણે બુધવારે દેશભરના મોટા એરપોર્ટ્સ પર અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ નવા નિયમોના કારણે લોકોએ લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડ્યું હતું અને ઘણી મૂંઝવણ પણ ઊભી થઈ હતી. યુકેમાં કોરોનાના નવા સ્વરૂપનો કહેર જોવા મળી રહ્યો છે અને તેના કારણે ભારત સહિત ઘણા દેશોએ યુકેથી આવનારી ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દીધી છે. ભારતે ૩૧ ડિસેમ્બર સુધી યુકેથી આવનારી અને અહીંથી યુકે જતી ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે.

પ્રતિબંધ અમલમાં આવે તે પહેલા બુધવારે યુકેથી આવનારા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતો હતો. જેમાં કામિની સારસ્વત પણ સામેલ છે જેઓ પ્રતિબંધ અમલમાં આવ્યો તે પહેલા નવી દિલ્હી આવી પહોંચ્યા હતા. ટેસ્ટ માટે તેમણે અગાઉથી બૂકિંગ કરાવ્યું હોવા છતાં તેઓ દિલ્હી પહોંચ્યા બાદ નવ કલાક પછી ટેસ્ટ માટે તેમનો નંબર આવ્યો હતો.

મીડિયા એજન્સી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તે હજી પરિણામની રાહ જોઈ રહ્યા છે અને હજી એરપોર્ટ પર જ અટકી પડ્યા છે. ૨૮ વર્ષીય કામિનીએ કહ્યું હતું કે, અહીં કોઈ સ્પષ્ટ કોમ્યુનિકેશન નથી. એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જોવા મળ્યું ન હતું. સારસ્વતે પોતાના ફોનમાં વિડીયો બનાવ્યો હતો જેમાં જોવા મળે છે કે પેસેન્જરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે અને લોકો એક સાથે એકઠા થતા ટોળા જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.

કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત મહારાષ્ટ્ર દ્વારા મુંબઈ એરપોર્ટ પર વધારાના પગલા લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા યુરોપ અને ખાડીના દેશોમાંથી આવનારા પેસેન્જરોને એક સપ્તાહ માટે કવોરેન્ટિન કરવાનો નિયમ બનાવ્યો છે. યુરોપ અને ખાડીના ઘણા દેશો દ્વારા બ્રિટનથી આવનારી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકયો છે પરંતુ તે દેશો ભારત આવનારી ફ્લાઈટ્સના ટ્રાન્સિટ હબ તરીકે કાર્યરત છે.

મંગળવારે મોડી રાત્રે ૨ વાગ્યે દુબઈથી મુંબઈ આવી પહોંચેલા ઈશ્વરી ગૌરવ નાઈકે જણાવ્યું હતું કે તેને અને તેના પરિવારના ત્રણ સભ્યોને કવોરેન્ટિન ફેસિલિટીમાં મોકલ્યા હતા પરંતુ તે પહેલા તેમને આ માટે છ કલાક સુધી રાહ જોવી પડી હતી. તેણે જણાવ્યું હતું કે, મુંબઈ એરપોર્ટ પર ઘણી અરાજકતા થઈ હતી. કોઈને કોઈ વાતની જાણ ન હતી. સ્ટાફ વચ્ચે પણ કોઈ જાતનું સંકલન ન હતું. ઈશ્વરી ગૌરવ નાઈક અને તેના પરિવારના સભ્યોને કવોરેન્ટિન માટે એક સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા.

દિલ્હી અને મુંબઈ એરપોર્ટના અધિકારીઓએ આ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી અને બંને શહેરોના સ્થાનિક અધિકારીઓ તથા ભારતની ફેડરલ હેલ્થ મિનિસ્ટ્રીએ પણ મીડિયા એજન્સીને કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી ન હતી. ફેડરલ ઓથોરિટીએ કહ્યું હતું કે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

ભારતે ૨૫ નવેમ્બરથી બ્રિટનથી ભારત આવેલા તમામ લોકોને ટ્રેક કરવાની યોજના બનાવી છે. ઈમિગ્રેશન અધિકારીઓને ૨૫ નવેમ્બરથી યુકેથી આવેલા લોકોની વિગતો આપવાનું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ રાજય અને જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓએ તેમનો સંપર્ક કરશે.

સોમવારે સવારે મુંબઈ આવેલા ૫૪ વર્ષીય બ્રિટિશ નાગરિકે જણાવ્યું હતું કે તેને એરપોર્ટ પર કરવામાં આવેલા કોરોના ટેસ્ટનું રિઝલ્ટ કે કોઈ ફોલોઅપ કોલ્સ આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, ઈરાદો ઘણો જ સારો છે પરંતુ નિયમોનું યોગ્ય અમલીકરણ થઈ રહ્યું નથી.

(10:06 am IST)