Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ગુજરાતી અભિનેત્રી મેઘના રોયનું ૬૬ વર્ષની વયે નિધન

અભિનેત્રી છેલ્લા એક વર્ષથી બીમાર હતા

પ્રખ્યાત ગુજરાતી અભિનેત્રી મેઘના રોયનું ૬૬ વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા એક વર્ષથી ગંભીર બીમારીથી પીડિત મેઘના રોયનું  ૨૩ ડિસેમ્બરે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. માંદગીને કારણે તેઓ છેલ્લા એક વર્ષથી બેડ રેસ્ટ પર હતા. તાજેતરમાં આઠ ડિસેમ્બરે પરિવારે તેમનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો.

મેઘના રોયે ગુજરાતની રંગભૂમિ, ફિલ્મ્સ અને સિરિયલોમાં ઘણું યોગદાન આપ્યું છે. નાની ઉંમરમાં થયેલા તેમના નિધનથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બહુ જ ખોટ પડશે. અભિનેત્રીએ અનેક લોકપ્રિય ટીવી સિરીયલમાં અભિનય કર્યો છે. ગુજરાતી બિઝનેસમેન પુરષોત્ત્।મ નાણાવટીના પરિવાર અને તેમના જીવનના આસપાસ ફરતી વાર્તા દર્શાવતી સિરીયલ 'એક મહેલ હો સપનો કા'માં મેઘના રોયે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમણે સિરીયલ 'તીન બહુરાનિયા'દ્વારા ઘણી લોકપ્રિયતા મેળવી હતી. સિરીયલો અને નાટકો ઉપરાંત તેમણે સતી તોરલ', 'મા અંબા ગબ્બરવાલી', 'જય જય સંતોષી માં'વગેરે ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ઉપરાંત ગુજરાતી સિનેમા અને થિયેટરમાં તેમના યોગદાન બદલ ૧૨મા ગુજરાતી સ્ક્રીન એવોર્ડમાં તેમને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ૨૦૨૦નાં વર્ષ ખરેખર ખરાબ રહ્યું છે. અનેક મહાન કલાકારોએ દુનિયામાંથી વિદાય લીધી છે. હવે આ યાદીમાં અભિનેત્રી મેઘના રોયના નામનો પણ સમાવેશ થઈ ગયો છે.

(10:08 am IST)