Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

મુંબઈ ઍરપોર્ટ પર બે દિવસમાં ઊતરેલા ૭૪૫ પૅસેન્જરો ક્વૉરન્ટીન

છેલ્લા બે દિવસમાં ૧૬૮૮ પૅસેન્જરો બ્રિટન તથા અન્ય દેશોમાંથી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતર્યા

મુંબઈ : સોમવાર મધરાતથી બુધવારે બપોર સુધીમાં ૧૬૮૮ પૅસેન્જરો બ્રિટન તથા અન્ય દેશોમાંથી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતર્યા હતા અને તેમાંથી ૭૪૫ પૅસેન્જરો શહેરમાં ક્વૉરન્ટીન થયા છે એમ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

 બ્રિટનમાં કોરોનાનું નવું સ્વરૂપ સામે આવતાં યુરોપ અને મધ્ય-પૂર્વથી આવનારા પૅસેન્જરો માટે નવી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર જાહેર કરવામાં આવી છે.

ક્વૉરન્ટીન કરાયેલા ૭૪૫ પૅસેન્જરોમાંથી કોઈનામાં કોરોનાનાં લક્ષણો જણાયાં છે કે કેમ એની પુષ્ટિ કરી શકાઈ નથી. તમામને મુંબઈમાં સંસ્થાકીય ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યા છે એમ બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું.

ઍરપોર્ટ પર બીએમસીની ટીમો ગર્ભવતી મહિલાઓ અથવા સ્વજનની અંતિમવિધિ માટે પ્રવાસ ખેડનારા વગેરે જેવા કેટલાક પૅસેન્જરોને ક્વૉરન્ટીન થવામાંથી મુક્તિ આપી રહી છે. અત્યાર સુધીમાં આવા બે પૅસેન્જરોને મુક્તિ અપાઈ છે.

મંગળવારે ૫૯૦ પૅસેન્જરો બ્રિટનની ત્રણ ફ્લાઇટ મારફત મુંબઈ આવ્યા હતા. તેમાંથી ૧૮૭ પ્રવાસીઓ મુંબઈના, ૧૬૭ મહારાષ્ટ્રના બાકીના ભાગોના અને ૨૩૬ અન્ય રાજ્યોના હતા.

મુંબઈના મ્યુનિસિપલ કમિશનર આઇ. એસ. ચહલે સોમવારે જાહેરાત કરી હતી કે બ્રિટન, અન્ય યુરોપિયન દેશો અને મધ્ય-પૂર્વથી આવનારા તમામ પૅસેન્જરોએ ઓછામાં ઓછા સાત દિવસ માટે સંસ્થાકીય ક્વૉરન્ટીનમાં રહેવું પડશે.

કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે બ્રિટન-ભારત વચ્ચેની તમામ ફ્લાઇટ્સ ૨૩ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી બંધ રહેશે.

(10:48 am IST)