Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ટ્રમ્પે કોવિડ-19 રાહત પેકેજ પર સહી કરવાની ના પાડી : માત્ર ૬૦૦ ડોલર અમેરિકનો માટે ઓછા અને અપુરતા

૬૦૦ ડોલરને બદલે ૨૦૦૦ ડોલરની જોગવાઇ કરવી જોઇએ. જો દંપત્તિ હોય તો ૪૦૦૦ ડોલર આપો

વોશિંગ્ટન : અમેરિકનોને માત્ર ૬૦૦ ડોલરની રાહતની રકમ અપુરતી હોઇ પ્રમુખ ટ્રમ્પે કોવિડ-૧૯ રાહત બિલ પર સહી કરવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે માત્ર ૬૦૦ ડોલર અમેરિકનો માટે ઓછા અને અપુરતા છે. તેમણે કોંગ્રેસને આ રકમમાં વધારો કરવા કહ્યું હતું. મંગળવારે ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડીયોમાં તેમણે કહ્યું હતું કે આ બિલમાં વિદેશો માટે અઢળક પૈસાની જોગવાઇ કરી છે, પરંતુ અમેરિકનો માટે પૈસા ઓછા ફાળવ્યા હતા.' થોડા મહિના પહેલા કોંગ્રસે નવા રાહત પેકેજ અંગે મંત્રણા શરૂ કરી હતી જે તાત્કાલિક ધોરણે અમેરિકનોને આપવાની હતી. એ હમેંશાને માટે હતી. છતાં તેઓ જે બિલ મને મોકલવા ઇચ્છે છે તે ખુબ ઓછો છે. મેં ક્યારે આટલી રકમની કલ્પના કરી ન હતી. આ તો અપમાન છે'એમ તેમણે કહ્યું હતું.

મંત્રણામાં નાણા મંત્રી સ્ટીવન મનુનિચે પણ ભાગ લીઘો હતો.' આ તમામ ખર્ચ છતાં માત્ર ૯૦૦ ડોલરની રાહત સખત મહેનત કરતા અમેરિકનો માટે ખુબ ઓછું છે. નાના વેપારીઓ માટે પણ અત્યંત ઓછી રકમ ફાળવી છે, ખાસ તો રેસ્ટોરન્ટ માટે જેમણે ભારે નુકસાન વેઠયું હતું'એમ ટ્રમ્પે વિડીયોમાં કહ્યું હતું.

'હું કોંગ્રેસને આ બિલમાં સુધારો અને વધારો કરવા અપીલ કરૂં છું. ૬૦૦ ડોલરને બદલે તેમણે ૨૦૦૦ ડોલરની જોગવાઇ કરવી જોઇએ. જો દંપત્તિ હોય તો ૪૦૦૦ ડોલર આપે'એમ તેમણે કહ્યું હતું. કોંગ્રેસે સોમવારે કોરોનાના કારણે એપેડેમિક રીલીફ પેટે ૯૦૦ અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી હતી. આ રકમ વેપારીઓ, વ્યક્તિઓ અને નિરાશ્રીતો માટે હતી. ઉપરાંત વેક્સિનેશન માટે પણ આમાંથી જ રકમ લેવાની હતી.બિલને મંજૂરી માટે પ્રમુખ ટ્રમ્પને મોકલવામાં આવ્યો હતો.

ટ્રમ્પે કહ્યું હતું કે હું કોંગ્રેસને તાત્કાલિક ધોરણે નકામા અને બિન જરૂરી ખર્ચ પર ઘટાડો કરવા અને ધારામાં નકામી કલમોને દૂર કરવા કહું છું. મને ફરીથી સુધારા-વધારા સાથેનું બિલ રજૂ કરે,અથવા તો આગામી વહીવટી તંત્રને કોવિડ-૧૯ રાહત પેકેજ આપવું પડશે. એ વહીવટી તંત્ર મારૂં જ હોઇ શકે છે.

(10:58 am IST)