Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

BoB, દેના બેન્ક, અને વિજયા બેન્કના ખાતાધારકો માટે અત્યંત મહત્વના સમાચારઃ એકીકરણનું કામ પુર્ણ થયુ

નવી દિલ્હી, તા.૨૪: બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કના ગ્રાહકો માટે જરૂરી સૂચના છે. ૧ એપ્રિલ ૨૦૧૯થી સરકારે વિજયા બેન્ક અને દેના બેન્કનું બેન્ક ઓફ બરોડામાં વિલય કરી દીધુ હતું. ત્યારબાદ હવે બેન્ક ઓફ બરોડાએ કહ્યું છે કે તેણે દેના બેન્કની ૧૭૭૦ શાખાઓના એકીકરણનું કામ ડિસેમ્બર ૨૦૨૦માં પૂરું કરી લીધુ છે. નોંધનીય છે કે વિજયા બેન્કની ૨૧૨૮ શાખાઓનું સપ્ટેમ્બર ૨૦૨૦માં એકીકરણ કરી લેવાયું હતું.

બેન્કના Managing Director & CEO સંજીવ ચટ્ટાએ એક નિવેદનમાં કહ્યું કે, 'અમે કોવિડ-૧૯ પડાકારો વચ્ચે પૂર્વવર્તી બેન્કોના સફળતાપૂર્વક વિલયનું કામ પૂરું કર્યું છે. અમે એકવાર ફરીથી અમારા તમામ સન્માનિત ગ્રાહકોનું સ્વાગત કરીએ છીએ અને તેમને બેન્ક ઓફ બરોડાની પ્રોડકટ્સ તથા ડિજિટલ સોલ્યુશનનો લાભ ઉઠાવવા માટે આગ્રહ કરીએ છીએ.'

નિવેદન મુજબ ૫ કરોડથી વધુ ગ્રાહકોના બેન્ક ખાતા હવે બેન્ક ઓફ બરોડામાં આવી ગયા છે. આ ઉપરાંત તમામ શાખાઓ, એટીએમ, પીઓએસ મશીનો અને ક્રેડિટ કાર્ડનું એકીકરણ સફળતાપૂર્વક થઈ ચૂકયું છે. બેન્કે કહ્યું કે તમામ ગ્રાહકોની હવે સમગ્ર ભારતમાં કુલ ૮૨૪૮ ડોમેસ્ટિક શાખાઓ, અને ૧૦,૩૧૮ એટીએમ છે, જે તેમને સંપૂર્ણ ઉત્પાદનો અને સેવાઓ સુધી પૂરેપૂરી પહોંચ પ્રદાન કરશે. તમામ ગ્રાહકોને હવે બેન્કના ડિજિટલ ચેનલો સુધી પહોંચ પ્રાપ્ત થશે. બેન્કે કહ્યું કે પૂર્વવત બેન્કો દ્વારા ગ્રાહકોને પહેલેથી અપાયેલા ડેબિટ કાર્ડ જયાં સુધી કાર્ડની નિર્ધારિત સમય મર્યાદા ખતમ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

(11:06 am IST)