Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ભારત સહીત સમગ્ર વિશ્વમાં ચીનનાં ૨૦ લાખથી વધારે CCP સભ્યો જાસૂસોની જેમ ફેલાયેલા હોવાનો ઘટસ્ફોટ

લીક થયેલા ડેટાને આધારે મોટો ખુલાસો : માત્ર પશ્ચિમની કંપનીઓ માટે સીસીપીની ૭૯૦૦૦ શાખાઓ તૈયાર કરાઈ

ચીનમાં અંતિમ સત્તા ચાઇનિઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના હાથમાં હોય છે. ચીનના તમામ નેતાઓ, લશ્કરના ઉચ્ચ અધિકારીઓ અને દેશના મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ આ પાર્ટીના સભ્યો અચૂક હોવાના. હવે એવો ખુલાસો બહાર આવ્યો છે કે જગતભરમાં ૨૦ લાખથી વધારે સીસીપીના સભ્યો જાસૂસોની માફક ફેલાયેલા છે. લીક થયેલા ડેટાને આધારે ઑસ્ટ્રેલિયાના અખબાર 'ધ ઑસ્ટ્રેલિયને' અને 'સ્કાય ન્યુઝે' આ ખુલાસો કર્યો હતો.

ધ ઑસ્ટ્રેલિયન પાસે આ સભ્યોના ઈ-મેઈલ, પાર્ટીમાં હોદ્દો, જન્મતારીખ, આઈકાર્ડ સહિતની વિગતો આવી છે. તેના પરથી ખબર પડી કે જગતની અગ્રણી બેન્કો, ફોક્સવેગન , પેપ્સી, આઈબીએમ, બોઈંગ જેવી કંપનીઓ, રસી ઉત્પાદક એસ્ટ્રાઝેનેકા અને ફાઈઝર.. સહિતની અનેક મોટી સંસ્થા-કંપનીઓમાં સીસીપીના સભ્યો ગોઠવાયેલા છે. આ સભ્યો જ્યાં કામ કરતા હોય ત્યાંની માહિતી ચીનમાં પોતાની પાર્ટીને પુરી પાડતા હોય એવી પુરી શક્યતા છે. કેમ કે સીસીપીના સભ્યોની પાર્ટી સિવાય કોઈને વફાદારી હોતી નથી.

માત્ર પશ્ચિમની કંપનીઓ માટે સીસીપીની ૭૯૦૦૦ શાખાઓ તૈયાર કરાઈ છે. એમા કામ કરનારા માણસો સીસીપીના ટોચના હોદ્દેદારો અને જરૃર પડયે જિનપિંગ સામે માહિતી આપવા હાજર થતા હોય છે. ચીની કંપનીઓ જગતની તમામ મહત્ત્વની ચીજોની નકલ બનાવી શકે છે, તેનું એક કારણ આ નેટવર્ક પણ હોઈ શકે. કેમ કે જગતમાં જ્યાં ત્યાં ફેલાયેલા ચીની માણસો માર્કેટની ડિમાન્ડ, મોનોપોલી, વગેરેની માહિતી ચીન સુધી પહોંચાડતા હોઈ શકે છે.

આ અહેવાલ પરથી એ વાત પ્રસ્થાપિત થાય છે કે ચીને જગતવ્યાપી હ્યુમન ઈન્ટેલિજન્સનું નેટવર્ક ફેલાવી રાખ્યુ છે. જરૃરી નથી કે બધા સભ્યો ચીનના જાસૂસ હોય, પરંતુ હોય એવી શક્યતા નકારી શકાતી નથી.

 

આ રીતે માણસો ગોઠવવા એ ચીનનું ગુપ્ત યુદ્ધ છે. સરહદે સંઘર્ષ કરવા જાય તો ચીન તુરંત આખા જગતની આંખે ચડે. પરંતુ મહાસત્તા બનવા માટે ચીને વિવિધ રસ્તા અખત્યાર કર્યા છે, જેમાંનો એક ચૂપચાપ સર્વત્ર પોતાના સભ્યો ફેલાવી દેવાનો છે.

(12:17 pm IST)