Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

બજેટમાં પગારદારોને આયકર છૂટની મળશે ભેટ

વર્ષ-ર૦ર૦ પગારદારો માટે કપરૂ રહયું હોવાથી હવે સરકાર આ વર્ગને રાજી કરશેઃ ઇન્કમ ટેક્ષના સ્લેબમાં ફેરફારો થવાની શકયતા : સ્ટાન્ડર્ડ ડીડેકશન લીમીટ, મેડીકલ ઇન્સ્યોરન્સ બેનીફીટ અને ૮૦-સી હેઠળ મળતી છૂટની સીમામાં વધારો થાય તેવી શકયતા

નવી દિલ્હી, તા., ર૪:  કોરોના કાળમાં  સૌથી વધુ પરેશાનીનો સામનો કરી રહેલા નિમ્ન મધ્યમ વર્ગ પગારદારોને આગામી બજેટમાં આયકર છુટની ભેટ મળી શકે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન ર૦ર૧ના બજેટમાં આ વર્ગ માટે અનેકવિધ રાહતોની જાહેરાતો કરી શકે છે. આશા છે કે સ્ટાન્ડર્ડ ડીડકશન લીમીટ, મેડીકલ ઇન્સ્યોરન્સ બેનીફીટ અને આયકર કાનુની કલમ ૮૦-સી હેઠળ મળતી છુટની સીમામાં કેટલોક વધારો જાહેર કરી શકે છે.

વર્ષ ર૦ર૦ દેશના પગારદારો માટે ઘણું કપરૂ રહયુ઼. આ દરમિયાન મોટા ભાગના નિમ્ન મધ્યમવર્ગ પગારદારોને વેતનકાપનો ડંખ ઝીલવો પડયો હતો. આ દરમિયાન અનેક લોકોને નોકરીથી હાથ ધોવા પણ પડયા હતા. જો કે લોકડાઉન પુરૂ થતા ઘણા લોકોને ફરીથી નોકરી મળવી શરૂ થઇ છે. પરંતુ હવે પહેલા જેવી વાત નથી. તેઓના માટે કામના કલાકો વધ્યા છે એટલું જ નહી બીજા કર્મચારીનું કામ પણ કરવુ પડી રહયું છે.

નાણા મંત્રાલયના સતાવાર સુત્રોએ સંકેત આપ્યો છે કે આગામી બજેટમાં પગારદારો માટે આયકરમાં કેટલીક છુટ આપવાની તૈયારી થઇ રહી છે કે જેથી તેઓના ગજવામાં કેટલાક વધારાના પૈસા રહે. કોરોનાને કારણે જયારે લોકડાઉન થયું હતું તો આ લોકોના પગારમાં કાપ મુકવામાં આવ્યો હતો એટલુ જ નહિ ઘરમાં હોવાના કારણે તેઓના રીયંમ્બર્સમેન્ટ પણ ટેક્ષેબલ થઇ ગયા હતા. આ સિવાય ફુડ બીલ, મનોરંજન એલાઉન્સ અને પેટ્રોલ બીલ વગેરેના સ્વરૂપમાં મળતી રકમ પણ કરપાત્ર થઇ હતી તેથી તેઓને રાહત મળી શકે છે.

કોરોના બાદ મોંઘવારી વધી ગઇ છે. પહેલા જે ચા પ અને ૭ રૂ.માં મળતી હતી તેના હવે ૧૦ થી ૧પ રૂપીયા થઇ ગયા છે. ૧૦ માં મળતું સમોસુ પણ હવે ૧પનું થઇ ગયું છે. આવી જ હાલત બધી ચીજોની છે. સરકારનું માનવું છે કે ઓછા પગાર અને વધતા ખર્ચ વચ્ચે ટાંગામેળ બેસાડવા માટે પગારદારોને રાહત મળવી જોઇએ. સુત્રોના કહેવા મુજબ સ્ટાન્ડર્ડ ડીડેકશનની સીમા વધારીને રાહત આપી શકાય તેમ છે. હાલ ૫૦ હજાર રૂપીયાની સીમા છે તે વધારીને ૧ લાખ કરી શકાય તેમ છે.

કોરોના કાળમાં ડોકટરોએ ફી વધારી દીધી છે. સાથોસાથ હોસ્પીટલોમાં સારવારમાં જોડાયેલા મેડીકલ પ્રોફેશ્નલો દ્વારા વપરાતા માસ્ક, ગ્લોઝ અને પીપીઇ કીટ વગેરેનો ખર્ચો પણ દર્દીના બીલમાં મુકવામાં આવી રહયો છે તેથી સ્વાસ્થ્ય વીમાના પ્રિમીયમ ભરવામાં મળતી છુટની સીમા પણ વધી શકે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ઇન્કમ ટેક્ષ સ્લેબની સીમા પણ વધી શકે છે. હાલ અઢી લાખ પર કોઇ ટેક્ષ લાગતો નથી જયારે કેટલીક શરતો પુરી કર્યા બાદ પ લાખ સુધીની આવક કરમુકત થઇ જાય છે. ગયા વર્ષે આમ તો નવા ટેક્ષ સ્લેબ લોંચ કરાયા હતા પરંતુ તેનો લાભ એવાને જ મળશે જે ડીડકશન કે અન્ય પ્રોત્સાહનનો લાભ નથી લેતા. એવું બની શકે કે આ વર્ષે તેને સરળ કરી દેવામાં આવે. સરકાર માંગ વધારવા માટે પ લાખ સુધીની આવકને કરમુકત કરે તેવી શકયતા છે.

સરકાર બજારમાં રોનક વધારવા માંગે છે. તેથી કોર્પોરેટ ટેક્ષમાં ગયા વર્ષે ઘટાડો કરાયો હતો. તેથી આ વખતે મનાય છે કે વ્યકિતગત કરદાતાઓને રાહત મળશે.

(3:18 pm IST)