Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાહુલ ગાંધીએ સરકારને આડે હાથ લીધી

જો સંઘના વડા મોહન ભાગવત વિરૂધ્ધ જાય તો મોદી સરકાર તેમને પણ આતંકવાદી કહેશે

નવી દિલ્હી, તા.૨૪: રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, જે કોઈ પણ મોદી સરકારની વિરુદ્ઘ બોલે છે, તેઓ તેમને આતંકવાદી કહેવા લાગે છે. તેમણે કહ્યું હતું કે, જો કાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત તેમની વિરુદ્ઘ જશે, તો તેઓને પણ આતંકવાદી કહી દેશે.

રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા લગાવાયેલા ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની સમર્થકો શામેલ હોવાના આરોપ પર જવાબ આપ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં કહ્યું, 'ભાજપ, નરેન્દ્રભાઇ મોદીજીનું એક જ ધ્યેય છે અને હવે એ ખેડૂત-મજૂરો સમજી ગયા છે. તેમનું ધ્યેય તેમના સમૃદ્ઘ મિત્રોને ફાયદો પહોંચાડવાનો છે, જે નરેન્દ્રભાઇ મોદીની વિરુદ્ઘ ઊભો થાય છે, તેઓ તેમના વિશે કંઈને કંઈ ખોટું બોલતા રહે છે.

 રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, 'જો ખેડૂતો તેમની સામે ઉભા થાય છે, તો તેઓ તેમને આતંકવાદી કહેશે, કામદારો ઉભા થશે તો તેમને પણ આતંકવાદી કહેશે અને એક દિવસ જો મોહન ભાગવત ઉભા થશે, તો તેઓને પણ આતંકવાદી કહેશે. નરેન્દ્રભાઇ મોદીને જે પણ સવાલો પૂછવાનો પ્રયત્ન કરે છે તે આતંકવાદી છે અને નરેન્દ્રભાઇ મોદી ફકત તેમના બે-ત્રણ લોકો માટે જ કામ કરી રહ્યા છે, જેમને તેઓ આખું ભારત પકડાવી રહ્યાં છે.

 કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને કૃષિ કાયદાની વિરુદ્ઘ એક નિવેદન રજૂ કર્યુ. આ પહેલા પણ રાહુલ ગાંધી વિપક્ષના નેતાઓ સાથે રાષ્ટ્રપતિને મળી ચૂકયા છે.રાહુલે ગુરુવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ત્રણ કૃષિ કાયદા પાછા નહીં આવે ત્યાં સુધી દેશનો ખેડૂત પીછેહઠ કરશે નહીં. આજે ખેડૂતો જાણે છે કે આ કાયદા તેમના માટે નથી, આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી તેમની લડતમાં તેમની સાથે છે. કેન્દ્ર સરકારે તુરંત સંસદનું સત્ર બોલાવીને ત્રણેય કાયદાને રદ કરવા જોઈએ.એક તરફ રાહુલ ગાંધી ગુરુવારે રાષ્ટ્રપતિને મળ્યા હતા, જયારે બીજી તરફ રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવા જતા કોંગ્રેસના નેતાઓની પણ અટકાયત કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા.

(3:19 pm IST)