Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ટ્રેનની સફર બનશે વધુ સરળ

રીઝર્વેશન વગરની ટ્રેનો ચલાવવા વિચાર કરે છે રેલ્વે

ભોપાલ,તા. ૨૪: રેલ્વેને દેશની લાઇફ લાઇન માનવામાં આવે છે. કોરોનાના કારણે તે બંધ હોવાથી લાખો મુસાફરને અસર થઇ રહી છે. પણ રેલ્વે હવે લોકોની પરેશાની દૂર કરવા માટે રીઝર્વેશન વગરની ટ્રેનો ચલાવવા માટે વિચાર કરે છે. જેમાં મુસાફર ટીકીટ લઇને તરત પ્રવાસ કરી શકાશે. અત્યારે ફકત રીઝર્વેશન કરાવ્યા પછી જ મુસાફરી કરવાની પરવાનગી છે. રેલ્વે રીઝર્વેશન વગરની ટ્રેનો પહેલા એક ઝોનમાં જ ચલાવશે. પછી એક ઝોનથી બીજા ઝોન વચ્ચે પણ ચલાવશે.

 આ ટ્રેનોમાં બધા જનરલ કોચ હશે પણ તે લોકલ ટ્રેન નહીં હોય. કોરોનાની રસી આવ્યા પછી આ ટ્રેનો ચાલુ થઇ શકે છે.

ઔદ્યોગિક શહેરોમાં જવા અને ત્યાંથી પરત આવવા માટે તરત રીઝર્વેશન નથી મળતું. મહત્વપૂર્ણ ટ્રેનોના મુંબઇ, દિલ્હી, અમદાવાદ, સુરત, ચેન્નઇ, કોલકતા, જમ્મુ સહિત અન્ય શહેરોમાં જવા માટે ૧૫ જાન્યુઆરી પહેલાનું રિઝર્વેશન નથી મળતું. આવી જ હાલત આ શહેરોથી પાછી આવતી ટ્રેનોની પણ છે. કોરોના કાળમાં ટ્રેનોનું સંચાલન રોકયા પછી હવે સીમીત સંખ્યામાં સ્પેશ્યલ ટ્રેનો ચાલી રહી છે. તેનાથી મુસાફરોની મુશ્કેલી ઓછી નથી થઇ.

દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા તહેવારોમાં મહાનગરોમાંથી પાછા આવનારા મુસાફરોની સુવિધા માટે પુજા સ્પેશયલ ટ્રેનો ચલાવાઇ હતી. જેનાથી અમુક હદ સુધી રાહત મળી પણ પછી તેને બંધ કરી દેવાઇ હતી. લગ્ન પછી લોકો કામ પર પાછા ફરવા ઇચ્છે છે પણ મોટાભાગની ટ્રેનોમાં સીટ ફુલ છે. એટલે લાંબા અંતરની ટ્રેનોમાં રીઝર્વેશન મળવામાં મુશ્કેલી થઇ રહી છે. એટલે રિઝર્વેશન વગરની ટ્રેનો ચાલવાથી લોકોને મોટી રાહત મળી શકે તેમ છે.

(3:20 pm IST)