Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

અંબાલામાં નોંધાયો કેસ

હરિયાણાના મુખ્યમંત્રીને 'કાળાઝંડા' બતાડનાર ૧૩ ખેડૂતો સામે હત્યા - તોફાનના પ્રયાસનો કેસ

અંબાલા તા. ૨૪ : હરિયાણા પોલિસે ૧૩ ખેડૂતો વિરૂધ્ધ હત્યા અને રમખાણના પ્રયાસનો કેસ નોંધ્યો છે. આ ખેડૂતોએ એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાનૂનોનો વિરોધ કરીને મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરના કાફલાને રોકીને કાળા વાવટા દેખાડયા હતા અને લાઠી પણ ચલાવી હતી. કોંગ્રેસની રાજ્ય પ્રમુખ કુમારી શૈલજાએ સરકારના આ પગલાની ટીકા કરતા તેને સરકારની હતાશા ગણાવી હતી.

આ ખેડૂતો સામે અંબાલામાં જ કેસ નોંધવામાં આવ્યો છે જ્યાં મંગળવારે પ્રદર્શનકારી ખેડૂતોના એક જૂથે, મુખ્ય પ્રધાનનો કાફલો જ્યારે અંબાલા શહેરમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કાળા વાવટાઓ બતાવ્યા હતા. એ વખતે અગ્રસેન ચોક પર ખેડૂતોએ મુખ્ય પ્રધાનના કાફલાને જોઇને કાળા વાવટા બતાવ્યા હતા અને તેમના વિરૂધ્ધ નારાબાજી પણ કરી હતી. પોલીસે બુધવારે કહ્યું કે, કેટલાક ખેડૂતોને કાફલા તરફ આગળ વધવાની કોશિષ કરી અને થોડા સમય માટે રસ્તો રોકી દીધો હતો. પોલિસ અનુસાર તેમાંથી કેટલાક પ્રદર્શનકારીઓએ કેટલાક વાહનો પર લાઠીઓ પણ વરસાવી હતી.

પોલિસની આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા હરિયાણા કોંગ્રેસ પ્રમુખ કુમારી શૈલજાએ કહ્યું કે, હરિયાણા સરકારે ખેડૂતો સામે કેસ નોંધીને બધી હદો પાર કરી નાખી છે. ખેડૂતો સામે હત્યા અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવાથી સરકારની હતાશાની ખબર પડે છે. લોકશાહીમાં બધાને પોતાની વાત કહેવાનો અધિકાર છે પણ જ્યારે લોકોના અવાજ દબાવી દેવામાં આવે છે ત્યારે તેઓ પોતાના અધિકારો માટે રસ્તા પર આવવા મજબૂર બની જાય છે.

(3:26 pm IST)