Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ઈંગ્લેન્ડના ૭૩ વિસ્તારોમાં આજથી ચોથા તબક્કાનું લોકડાઉન

સરે, વેવરલી, હેમ્પશાયર, પોર્ટસમાઉથ અને સાઉથ હેમ્પટશનને ટાયર-૪ વર્ગના લોકડાઉનમાં મૂકવામાં આવ્યા : છેલ્લા એક સપ્તાહમાં દેશભરમાં સંક્રમણમાં ૫૭%નો વધારો

લંડન : કોરોના સંક્રમણ જે ઝડપે ફેલાઈ રહ્યુ છે તેના લીધે બ્રિટનના પ્રધાનમંડળ પર ઈંગ્લેન્ડના વધુ વિસ્તારોમાં ચોથા તબક્કાનું લોકડાઉન લાદવાનું દબાણ વધી ગયુ છે. બોકસીંગ ડેના દિવસે ટોળાઓ એકઠા થવાનો અને વાયરસનું નવું સ્વરૂપ ઝડપભેર ફેલાવાનો ભય પ્રધાનમંડળ પર દબાણ ઉભુ કરવામાં કારણભૂત છે.

ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય સચિવ હેન્કોકે કહ્યું કે છેલ્લા એક સપ્તાહમાં દેશભરમાં સંક્રમણના કેસોમાં ૫૭ ટકાનો વધારો થયો છે અને તેના કારણે વધુ કડક લોકડાઉન રાષ્ટ્રહિતમાં લાદવાની  ફરજ પડી છે. આગામી દિવસોમાં આપણે તેને રોકવા માટે ક્રિસમસ ન ઉજવીને સામાજીક સંપર્ક ઘટાડવો જોઈએ.

આજે મધરાતથી દેશના અમુક વિસ્તારોમાં વધુ કડક પ્રતિબંધો લાગુ થઈ જશે. તેમણે કહ્યુ કે બોકસીંગના ૦૦-૦૧ કલાકથી સસેકસ, ઓકસફર્ડ શાયર, સફોક, નોરફોક અને કેમ્બ્રીજ શાયર જે અત્યાર સુધી લોકડાઉન ટાયર - ૪માં નહોતા તે અને સરેમા વેવરલી અને હેમ્પશાયર, પોર્ટસમાઉથ અને સાઉથમરને ટાયર -૪ વર્ગના લોકડાઉનમાં મૂકવામાં આવશે. દેશના ૭૩ વિસ્તારોને ટાયર-૪ લોકડાઉન હેઠળ મૂકવામાં આવ્યા છે.

(3:28 pm IST)