Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

પારંપરિક શૈલીમાં બનશે રામમંદિરનો પાયો

મંદિરનો પાયો હવે ૧૨૦૦ ભૂમિગત સ્થંભોના બદલે નિર્માણની પારંપરીક શૈલીના આધારે બનશે

અયોધ્યાઃ અયોધ્યામાં રામમંદિરના પાયા બાબતે અસમંજસ ઘટવા લાગી છે. રામમંદિરનો પાયો પારંપરિક શૈલીમાં બનશે. મંદિર નિર્માણ માટે આઠ રાજયોની નિષ્ણાંત ટીમે નિર્માણ સમિતીને સોંપેલ રીપોર્ટમાં બે સૂચનો આપ્યા છે.

પહેલું એ કે પહેલા નક્કી કરેલ કોંક્રીટની પાઇલીંગની જગ્યાએ પથ્થરોની પાઇલીંગ કરવામાં આવે અને બીજું એ કે મંદીરની સંપૂર્ણ આધારભૂમિમાં પથ્થર, ચૂનો અને રેતીને જોડીને પાયો બનાવવામાં આવે. નિષ્ણાંતોનું કહેવું છે કે બન્ને વિકલ્પો પારંપરિક નિર્માણ શૈલી મુજબના છે. તેને આધુનિક ટેકનીક અને સંસાધનોના ઉપયોગથી વધુ અસરકારક બનાવી શકાય છે.

૨૯ ડીસેમ્બરે થનારી નિર્માણ સમિતી અને રામ મંદિર ટ્રસ્ટના પદાધિકારી અને નિષ્ણાંતોની મીટીંગમાં આનો નિર્ણય લેવામાં આવશે. નિષ્ણાંત સમિતીના સૂચનથી એ નકકી થઇ ગયું છે કે રામ જન્મ ભૂમિ પર પ્રસ્તાવિત મંદિરનો પાયો હવે ૧૨૦૦ ભૂમિગત સ્થંભોના બદલે નિર્માણની પારંપરિક શૈલીના આધારે બનશે.

(3:28 pm IST)