Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

મધ્ય પ્રદેશઃ ઠંડી વધતાં અજગરો તડકામાં બહાર નીકળ્યાઃ સહેલાણીઓએ પણ નજારો જોવા ભીડ જમાવી

મધ્ય પ્રદેશના મંડલામાં અજગરોનું ગામ છે

મંડલા (મધ્ય પ્રદેશ ) તા.૨૪: મધ્યપ્રદેશના મંડલા આદિવાસી વિસ્તારમાં અચાનક પર્યટકોની સંખ્યા વધવા માંડી હતી. એનું કારણ પણ એટલું જ વિસ્મયજનક હતું. આ વિસ્તારમાં એક ગામ અજગરોના ગામ તરીકે જાણીતું છે. અહીં નાના મોટા અનેક અજગરો જોવા મળે.

શિયાળામાં ઠંડી વધે ત્યારે આ અજગરો પોતાના દરમાંથી તડકો લેવા ઉપલી સપાટી પર આવી જાય છે. એમને નીરખવા સહેલાણીઓ ભીડ જમાવતા જોવા મળે છે.

આ વખતે શિયાળો આકરો છે અને ઠંડી વધુ છે એટલે મોટી સંખ્યામાં અજગરો બહાર નીકળ્યા હતા. તેમને પોતાના કેમેરામાં ઝડપી લેવા સહેલાણીઓની પણ સારી એવી ભીડ જામી હતી.

અજગરદાદર નામથી જાણીતા આ વિસ્તારને ઇકો પર્યટન સ્થળ તરીકે ઓળખાવાય છે. કકૈયા ગ્રામ વન વસતિ આ વિસ્તારનો વહીવટ કરે છે અને અજગરોને લોકો નુકસાન ન પહોંચાડે એની પૂરતી તકેદારી લે છે. અજગરોના મુખમાં ઝેર હોતું નથી. એ તો પોતાના શિકારને  ભરડામાં લઇને ભીંસી નાખે છે અને પછી મોં ખોલીને શિકારને ઓહિયાં કરી જાય છે.

(3:29 pm IST)