Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

મોબાઇલ એપ દ્વારા લોનના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ 423 કરોડથી વધુની રકમના 75 બેન્ક એકાઉન્ટ સીઝ કરાયા

3 લોકોની આત્મહત્યા બાદ પોલીસ એક્શનમાં: હૈદરાબાદ અને હરિયાણાના ગુરુગ્રામમાં ઘણા સ્થળે દરોડા: 16 લોકોની અટકાયત: અમેરિકી ડિગ્રીધારી ઇજનેર મુખ્ય સૂત્રધાર : 1000 કર્મચારીઓ હતા

હૈદરાબાદ પોલીસે ઊંચા વ્યાજે લોકોને મોબાઇલ એપ દ્વારા લોન આપતા સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રિઝર્વ બેન્કની મંજૂરી વિના ચાલતુ આ લોન કૌભાંડ 30 મોબાઇલ એપ દ્વારા ચલાવાતું હતું. પોલીસે કાર્યવાહી કરી 423 કરોડથી વધુની રકમના 75 બેન્ક એકાઉન્ટ સીઝ કરાવી દીધા છે.

 ગ્રાહકોને તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા લોભામણી ઓફરથી ફાસવામાં આવતા હતા. પછી 35 ટકા સુધી વ્યાજ વસુલાતો હતો. ચુકવણી નહી કરનારા પાસે કડક વસુલી કરાતી હતી. એટલે સુધી કે કર્મચારીઓ ગાળાગાળી પર ઉતરી આવતા હતા.

થોડા દિવસો પહેલાં લોન લેનારાને પરેશાન કરાતા હોવાની ફરિયાદ ઊઠી હતી. ત્યાર બાદ 3 લોકોએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી લેતા પોલીસ એક્શનમાં આવી હતી. અધિકારીઓએ હૈદરાબાદ અને હરિયાણાના ગુરુગ્રામમાં ઘણા સ્થળે દરોડા પાડ્યા અને 16 લોકોની અટકાયત કરી હતી.

 સાયબર પોલીસ પણ આ મામલે સ્વતંત્ર તપાસ કરી રહી છે. જેમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં અમેરિકી ડિગ્રીધારી એક એન્જીનિયર કૌભાંડને સૂત્રધાર હોવાનું મનાય છે. 32 વર્ષનો સારથ ચંદ્રા બે કંપનીઓ દ્વ્રારા લોન આપનારી સંસ્થા ચલાવતો હતો.

ઓનિયન ક્રેડિટ પ્રાઇવેટ લિમિટેડ અને ક્રેડ ફોક્સ ટેકનોલોજી નામની આ કંપનીઓની સ્થાપના 2018-19માં કરવામાં આવી હતી. જેમાં 1000થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા. તેમને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેઓ ગ્રાહકોને પ્રલોભન આપી ફસાવતા હતા. સારથે બેંગ્લુરુની ઘણી કંપનીઓ માટે પણ એપ બનાવી આપી છે.

લોન આપનારી આ કંપનીઓને આ વર્ષે જાન્યુઆરી અને ફએબ્રુઆરીનાં જ બેંગ્લુરુમાં રજિસ્ટર્ડ કરાઇ હતી. જેના ગુરુગ્રામ અમે હૈદરાબાદમાં ઘણા સેન્ટર ખોલવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ આ કંપનીઓના કોલ સેન્ટર્સમાં હજારો યુવા બેરોજગારોને ટ્રેનિંગ આપી નોકરીએ રાખવામાં આવ્યા હતા. જેઓ ગ્રાહકોને વિવિધ પ્રલોભનો આપી ફસાવતા હતા. પછી લોનની રિકવરી વખતે આ કર્મચારીઓ ગ્રાહકો સાથે ગાળાગાળી કરતા, તેમને આબરુ લઇ લેતા અને બ્લેકમેલ કરતા હતા. આ કર્મચારીઓને મહિને 10થી 15 હજારના પગારે રાખવામા આવ્યા હતા.

કૌભાંડનો પર્દાફાશ થયા બાદ એક જ ઝાટકે હજારો યુવાઓ બેરોજાગાર થઇ ગયા છે. હાલ તો માત્ર 3 કોલ સેન્ટર્સમાં 1000થી વધુ કર્મીઓ હોવાનું જણાયું છે. આ કૌભાંડ કેટલું ફેલાયેલું છે. તે તપાસ પછી ખબર પડશે.

રિઝર્વ બેન્કે પહેલાં જ લોકો અને નાના વેપારીઓને ડિજિટલ લોન આપનારા પ્લેટફોર્મ સામે ચેતવ્યા હતા. આરબીઆઇએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ મંજૂરી વિના ચાલે છે અને બહુ વધારે વ્યાજ વસુલી રહ્યા હોવાનું અને તેમાં એનેક છૂપા ચાર્જ સામેલ હોવાનું જણાયું છે. તેથી આવા પ્લેટફોર્મની છેતરામણીમાં આવું નહીં. ઉપરાંત તેમાં એગ્રીમેન્ટનો ખોટો ઉપયોગ થતો હોવાનું અને મોબાઇલ ડેટા સાથે ચેડા કરતા હોવાનું પણ રિઝર્વ બેન્કના ધ્યાને આવ્યું છે.

(5:55 pm IST)