Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

31ફર્સ્ટ રાજસ્થાનમાં ઉજવવા માંગતા ગુજરાતીઓને ફટકો : ઉદેપુર, જયપુર, અને જેસલમેર સહીત 12 જિલ્લામાં રાત્રી કર્ફ્યુ લાગુ

રાજસ્થાન સરકારે 31 ડિસેમ્બરે યોજાનારા કાર્યક્રમો પર રોક લગાવી દીધી

જયપુર : રાજસ્થાનમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા 31 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી સવાર સુધી કરફ્યૂ લાગુ કરાયો છે  31stની ઉજવણી ઉદયપુર-જોધપુર સહિતના શહેરોમાં કરવા માંગતા ગુજરાતીઓને મોટો ફટકો પડ્યો છે. રાજસ્થાનની ગહેલોત સરકારે કોરોના સંક્રમણમાં લોકોની ભીડ ભેગી ના થાય તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. મહત્વપૂર્ણ છે કે મોટાભાગના ગુજરાતીઓએ ગુજરાતમાં કોરોના મહામારીમાં કરફ્યૂને કારણે રાજસ્થાનના ઉદયપુર-જેસલમેર-જોધપુર જવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, ગુજરાતીઓના આ પ્લાન પર પાણી ફરી ગયુ છે અને હવે ઘરમાં રહીને જ નવા વર્ષની ઉજવણી કરવી પડશે.

 કોરોના મહામારીના ખતરાને ધ્યાનમાં રાખતા રાજસ્થાન સરકારે 31 ડિસેમ્બરે યોજાનારા કાર્યક્રમો પર રોક લગાવી દીધી છે. સરકારે 12 જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રે આઠ વાગ્યાથી 1 જાન્યુઆરી સવારે છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે. આ કરફ્યૂ જયપુર, જોધપુર, કોટા, ઉદયપુર, અજમેર, બીકાનેર, ભીલવાડા, નાગૌર, પાલી, ટોંક, સીકર અને શ્રીગંગાનગરમાં લાગુ કરવામાં આવ્યુ છે. આ શહેરો સાથે જ નગર પાલિકા વિસ્તારમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આયોજિત થતા કાર્યક્રમો પર રોક લાગેલી રહેશે. જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર અને બીકાનેરમાં મોટી સંખ્યામાં દેશના વિવિધ ભાગમાંથી પ્રવાસીઓ નવા વર્ષ મનાવવા માટે આવે છે. આ વખતે હોટલોની બુકિંગ પણ થઇ ગઇ છે. જોકે, સરકારના નવા આદેશ બાદ હોટલમાં બુકિંગ રદ થઇ શકે છે.

 કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 958 કેસ સામે આવ્યા છે. જયારે 1309 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે અને 6 દર્દીઓના મોત થયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાનો આંકડો 2,38,205 પર આવી પહોંચ્યો છે. જો કે, અત્યાર સુધી 4254 દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત થયા છે અને 2,22,911 દર્દીઓ સાજા થયા છે.

(6:58 pm IST)