Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ઇન્ડિયા રેટિંગ્સે ભારતના વિકાસદરના અંદાજમાં કર્યો સુધારો : ચાલુ વર્ષ 7.8 ટકાનું સંકોચન થશે

અગાઉ એજન્સીએ ભારતના વિકાસદરમાં 11.8 ટકાના ઘટાડાની આગાહી કરી હતી.

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ધારણા કરતા અર્થવ્યવસ્થામાં ઓછા સંકોચનથી વિવિધ સ્થાનિક અને વિદેશી રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય અર્થતંત્રના વિકાસદરના અંદાજમાં સુધારો કરવાની ફરજ પડી છે. હવે ભારતીય રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સે ભારતના ચાલુ નાણાંકીય વર્ષ 2020-21ના વિકાસદરના અંદાજમાં સુધારો કર્યો છે.

એજન્સીએ કહ્યુ કે, વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 7.8 ટકાનું સંકોચન જોવા મળશે. જ્યારે અગાઉ એજન્સીએ ભારતના વિકાસદરમાં 11.8 ટકાના ઘટાડાની આગાહી કરી હતી.

ઇન્ડિયા રેટિંગ્સે કહ્યુ કે, ચાલુ વર્ષે બીજા ક્વાર્ટર જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન જે રિકવરી જોવા મળી, તેમાં તહેવારોની માંગ અને અનલોક બાદ માંગ નીકળી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાનું સંકોચન આવ્યુ છે જ્યારે તેની પૂર્વે જૂન ક્વાર્ટર દરમિયાન ભારતના વિકાસદરમાં 23.9 ટકાનો ઐતિહાસિક ધબડકો નોંધાયો હતો.

એજન્સીએ કહ્યુ કે, અસરકારક વેક્સીન વગર મહામારીથી મુક્તિ મળશે નહીં પરંતુ આર્થિક એજન્ટોએ નવી સ્થિતિની સાથે જીવવાનું શિખવાડી દીધુ છે. ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 0.8 ટકાનું સંકોચન જોવા મળી શકે છે અને ત્યારબાદ જાન્યુઆરીથી માર્ચના ચોથા ક્વાર્ટરમાં વિકાસદરમાં 0.3 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. અગાઉ એજન્સીએ કહ્યુ હતુ કે, બીજા ક્વાર્ટમરાં ઇકોનોમી વૃદ્ધિ કરતી થઇ જશે.

(7:13 pm IST)