Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

બંગાળમાં કોંગ્રેસ ડાબેરીઓ સાથે મળીને ચૂંટણી લડશે

મમતા-ભાજપને સત્તા પર આવતા અટકાવવાનો ખેલ : કૉંગ્રેસ હાઇકમાન્ડે લેફ્ટ પાર્ટીઓની સાથે ચૂંટણી ગઠબંધનને ઔપચારિક મંજૂરી આપી હોવાની જાહેરાત

કોલકાતા, તા. ૨૪ : આવતા વર્ષે થનારા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને લેફ્ટ એક સાથે ચૂંટણી લડશે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળ યૂનિટના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ ગુરૂવારના વાતની જાહેરાત કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આજે કૉંગ્રેસ હાઈકમાન્ડે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં લેફ્ટ પાર્ટીઓની સાથે ચૂંટણી ગઠબંધનને ઔપચારિક રીતે મંજૂરી આપી દીધી છે.

બંગાળમાં ૨૦૨૧ વિધાનસભા ચૂંટણીને લઇને ગત દિવસોમાં પશ્ચિમ બંગાળ કૉંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતુ કે બંગાળમાં મમતા બેનર્જી અને બીજેપી બંનેને રોકવા માટે લેફ્ટ અને કૉંગ્રેસમાં ગઠબંધન થવું જોઇએ. આવામાં ગુરૂવારના કૉંગ્રેસ હાઇકમાન્ડે લેફ્ટ પાર્ટીઓની સાથે ચૂંટણી ગઠબંધનને ઔપચારિક મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરી પાર્ટીના અધ્યક્ષ હતા, જ્યારે વર્ષ ૨૦૧૬માં લેફ્ટ અને કૉંગ્રેસે એક સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. જો કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઘણા પ્રયત્નો છતા બંને દળોની વચ્ચે ગઠબંધન નહોતુ થઈ શક્યું. ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરીએ બુધવારના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સખ્ત પ્રહારો કર્યા હતા.

અધીર રંજને કહ્યું હતુ કે, જે બીજેપીને બંગાળમાં કોઈ ઓળખતુ પણ નહોતુ, મમતા ખુદ ૧૯૯૯માં તેને બંગાળ લઇને આવી અને ગઠબંધન કર્યું. તેમણે કહ્યું કે મમતા ખુદ પોતાના કર્મોની સજા ભોગવી રહી છે. સિયાલદહના રામલીલા મેદાનમાં કૉંગ્રેસની એક સભાને સંબોધિત કરતા અધીરે રાજ્યમાં ભાજપના મજબૂત થવા માટે સ્પષ્ટ રીતે મમતાને જવાબદાર ગણાવી અને કહ્યું કે તેમણે જનતાની માફી માંગવી જોઇએ.

(7:25 pm IST)