Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

બ્રિટનથી આવેલી કોરોના પોઝિટીવ મહિલા ગાયબ

મહિલાની ચાલાકી કે તંત્રની બેદરકારી : આંધ્રની મહિલા સુરક્ષા કર્મીઓને ચકમો આપીને ટ્રેનમાં વતન જતી રહી, મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

વિશાખાપટ્ટનમ, તા. ૨૪ : યુરોપમાં કોરોના વાયરસના નવા પ્રકારના ફેલાવા સાથે આખી દુનિયા સામે વધુ એક સંકટ ઊભું થઈ ગયું છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ યુકેમાંથી આવતી જતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતે પણ ૨૨ ડિસેમ્બર પછી આવતી તમામ ફ્લાઇટ્સ પર જાન્યુઆરી સુધી પ્રતિબંધ મૂક્યો છે. તેવામાં ૨૨ ડિસેમ્બરે યુકેથી આવેલી ફ્લાઇટના મુસાફરોના કોરોના ટેસ્ટિંગની સુવિધા એરપોર્ટ પર કરવામાં આવી છે. અને તેમનું ટેસ્ટિંગ થયા પછી જો પોઝિટિવ જણાય તો સરકારી કોવિડ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. જોકે વચ્ચે મૂળ આંધ્ર પ્રદેશની રહેવાસી અને યુકેથી દિલ્હી ફ્લાઇટ મારફત આવી પહોંચેલી મહિલા કોરોના પોઝિટિવ હોવા છતા એજન્સીઓનું ધ્યાન ચૂકવીને એરપોર્ટ પરથી ગાયબ થઈ જતા સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે.

મહિલા કોરોના પોઝિટિવ આવી છે પરંતુ સ્પષ્ટ નથી થયું કે તે જૂના સ્ટ્રેનથી પોઝિટિવ છે કે નવા વધુ ઘાતક સ્ટ્રેનથી પોઝિટિવ છે. પરંતુ અધિકારીઓએ કહ્યું કે તેઓ કોઈ પ્રકારનો ચાન્સ લેવા માગતા નથી. આંધ્ર પ્રદેશના રાજામુડ્રાયની રહેવાસી મહિલા ૨૧ ડિસેમ્બરના રોજ યુકેથી ભારત પરત ફરી હતી. જે બાદ કોરોના ટેસ્ટિંગ માટે પોતાનું સ્વોબ ટેસ્ટ કર્યા પછી રિઝલ્ટ આવે તે પહેલા એરપોર્ટથી નીકળી ગઈ હતી અને દિલ્હી વિશાખાપટ્ટનમ સ્પેશિયલ ટ્રેન મારફત પોતાના વતન જવા માટે નીકળી ગઈ હતી.

જોકે અધિકારીઓ અને પોલીસે તેના પરિવારનો સંપર્ક સાધ્યા બાદ મહિલાએ અચાનક પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દેતા અધિકારીઓ ચિંતિત બન્યા છે. આંધ્ર પ્રદેશ પોલીસે મહિલાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન સ્વિચ ઓફ કરી દેતા સંપર્ક થઈ શક્યો નહતો. જ્યારે પોલીસે તેના પરિવાર સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મહિલા રાજામુદ્રી આવવા માટે ટ્રેનમાં બેસી ગઈ હતી. જેથી પોલીસે બુધવારે રાજામુદ્રી પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

અધિકારીઓએ  કહ્યું કે મહિલાનું પ્રકારનું વર્તન ખૂબ ગંભીર અને ભયજનક છે કારણ કે ૧૮૦૦ કિમીના લાંબા અંતરમાં તે અનેક વ્યક્તિના સંપર્કમાં આવી શકે છે અને તમામ લોકોને ટ્રેસ કરવા મહા મુસીબતનું કામ પડી શકે છે.

ઈસ્ટ ગોદાવરી ડિસ્ટ્રિક્ટ આરોગ્ય સેવાના કોર્ડિનેટર ડો. ટી રમેશ કિશોરે રાજામુદ્રી અર્બન ડિસ્ટ્રિક્ટ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ઘટનાથી દિલ્હીથી લઈને આંધ્ર પ્રદેશ સુધી અધિકારીઓ એલર્ટમાં આવી ગયા છે તેમજ રેલવે વિભાગના અધિકારીઓને પણ તાકિદ કરવામાં આવી છે. મહિલાના પરિવારે કહ્યું હતું કે ગુરુવારે તે રાજામુંદ્રી પહોંચી જવી જોઈએ.

ટ્રેનને તેલંગણા અને વિજયવાડામાં સ્ટોપ છે. તેવામાં અધિકારીઓએ કહ્યું કે મહિલા સાથેના કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરતા તમામ પેસેન્જરના કોરોના ટેસ્ટ કરવા ખૂબ જરુરી છે. જેમને રાજામુદ્રી ઉતારી દેવામાં આવશે અને ટેસ્ટ કરવામાં આવશે. જોકે જે પેસેન્જર વિજયવાડા અને તેલંગણામાં અલગ અલગ જગ્યાએ ઉતરશે તેમનું શું અંગે અધિકારીઓએ મૌન સેવ્યુ છે.

ડો. કિશોરે કહ્યું કે, અમે મહિલાના કમ્પાર્ટમેન્ટમાં જેટલા પેસેન્જર હશે તેમને રાજામુદ્રી ઉતરી જવા માટે કહીશું અને કોરોના ટેસ્ટ માટે આગ્રહ રાખીશું પરંતુ જો પેસેન્જર વિશાખાપટ્ટનમ જવા માગતા હશે તો અમે ત્યાં અધિકારીઓને અંગે જાણ કરીને ત્યાં કોરોના ટેસ્ટ સહિતની કાર્યવાહી માટે જાણ કરીશું.

(7:27 pm IST)