Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ઈથોપિયામાં બંદૂકધારીઓએ ૧૦૦થી વધુની હત્યા કરી

વડાપ્રધાનપદે અબી અહમદના આવ્યા બાદ હિંસા વકરી : વડાપ્રધાન અહમદે લોકશાહી સુધારાઓ કર્યા છે તેના લીધે પ્રાદેશિક હરીફ જૂથો પર તેમની પકડ ઓછી થઈ

એડિસ અબાબા, તા. ૨૪ : ઇથોપિયામાં ભીષણ હુમલામાં બંદૂકધારીઓએ ૧૦૦ થી વધુ લોકોને મારી નાંખ્યા છે. દેશના માનવ અધિકાર પંચે અહેવાલ આપ્યો છે કે જીવલેણ હુમલો બુલેન કાઉન્ટીના બેકોજી ગામમાં થયો હતો. વંશીય હિંસાથી ઝઝૂમતા લોકો પોતાનાં ઘર છોડીને વિસ્તારમાંથી ભાગવા લાગ્યા છે. ૨૦૧૮માં વડાપ્રધાન અબી અહમદ સત્તા પર આવ્યા ત્યારથી આફ્રિકાનો બીજો સૌથી વધુ વસતી ધરાવતો દેશ ઇથોપિયા સતત હિંસાનો સામનો કરી રહ્યો છે.

વડાપ્રધાન અહમદે લોકશાહી સુધારાઓ કર્યા છે તેના લીધે પ્રાદેશિક હરીફ જૂથો પર તેમની પકડ ઓછી થઈ ગઇ છે. ઇથોપિયામાં આવતા વર્ષે ચૂંટણીઓ યોજાવાની છે અને જમીન, શક્તિ અને કુદરતી સંસાધનોને લઈને તણાવ વધી રહ્યો છે. બીજી તરફ દેશના બીજા ભાગમાં ઇથોપિયન સેના બળવાખોરો સામે લડી રહી છે. તિગરય વિસ્તારમાં છેલ્લાં અઠવાડિયાથી ઇથોપિયન સૈન્ય અને બળવાખોરો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. સેના અને બળવાખોરો વચ્ચેના સંઘર્ષથી લાખ ૫૦ હજાર લોકો વિસ્થાપિત થયા છે. બીજી તરફ બળવાખોરોને કચડી નાખવા માટે સૈન્ય તૈનાત કર્યા બાદ હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અન્ય અશાંત વિસ્તારોમાં સુરક્ષાને લઇ ખાલીપો ઉભો થઇ શકે છે. ઇથોપિયાનો ઓરોમિયા વિસ્તાર બળવાખોરોનો સામનો કરી રહ્યું છે અને તે લાંબા સમયથી પૂર્વ સરહદે સોમાલિયન ઇસ્લામિક આતંકવાદીઓના ખતરાનો સામનો કરી રહ્યું છે.

વરિષ્ઠ સુરક્ષા અધિકારી ગાશૂ દુગાઝે જણાવ્યું હતું કે તેઓને તાજેતરના હુમલાની માહિતી મળી છે અને તેઓ હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમજ જાનહાનિની ઓળખ પણ કરવામાં આવી રહી છે. વિસ્તારમાં ગુમુઝ લોકો સહિતના કેટલાક વંશીય જૂથો છે. ગુમુઝ લોકોની ફરિયાદ છે કે નજીકના અમહારા વિસ્તારના ખેડુતો અને ઉદ્યોગપતિઓ તાજેતરના સમયમાં તેમના વિસ્તારમાં આવવાનું શરૂ કર્યું છે અને તેઓ ફળદ્રુપ જમીન પર કબજો કરી રહ્યા છે. બીજી તરફ, અમહારા લોકોનો દાવો છે કે કેટલીક જમીન તેમની છે.

(7:31 pm IST)