Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

આત્મનિર્ભર ભારત ટાગોરના દ્રષ્ટીકોણનો સાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વિશ્વ ભારતીના શતાબ્દી મહોત્વને વર્ચ્યુઅલ સંબોધન : સર્વવ્યાપક ભાઈચારાને પ્રોત્સાહિત કરવામાં વિશ્વ ભારતીના યોગદાનને વડાપ્રધાન દ્વારા બિરદાવામાં આવ્યું

શાંતિનિકેન, તા. ૨૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ ભારતીના શતાબ્દી મહોત્સવને વર્ચ્યુઅલ સંબોધન કરીને સંસ્થાની દેશની આઝાદીમાં રહેલી મહત્વની ભૂમિકા યાદ કરી હતી તેમજ સર્વવ્યાપક ભાઈચારાને પ્રોત્સાહિત કરવામાં વિશ્વ ભારતીના યોગદાનને બિરદાવ્યું હતું. વિશ્વ ભારતીની સ્થાપના નોબેલ વિજેતા રબિન્દ્રાનાથ ટાગોર દ્વારા કરવામાં આવી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે, સાહિત્યજગતના મહાપુરૂષનો દ્રષ્ટિકોણ મારી સરકારે શરૂ કરેલા આત્મનિર્ભર ભારત અભિયાનનો સાર હતો જેનો ઉદ્દેશ ભારતને સ્વ-નિર્ભર બનાવવાનો છે. વિશ્વ ભારતી દેશ માટે સૌથી પવિત્ર ઉર્જાનો સ્રોત છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.

ટાગોર અને તેમના દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા રાષ્ટ્રવાદની ભાવનાને મજબૂત કરે છે એટલું નહીં પરંતુ સમાવિષ્ટતાને પ્રોત્સાહિત કરે છે જેના થકી સર્વવ્યાપક ભાઈચારો મજબૂત બન્યો છે તેમ વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું. પીએમએ કલા અને સાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રે સંસ્થાએ મેળવેલી સિદ્ધીઓનો ઉલ્લેખ કરતા વિદ્યાર્થીઓને આસપાસના વિસ્તારોમાં વસતા કલાકારોની કલા યોગ્ય સ્થાનિક તેમજ આંતરાષ્ટ્રીય બજારો સુધી પહોંચે તેવું માધ્યમ શોધવા પણ અપીલ કરી હતી. આમ કરવાથી સ્થાનિક કલાકારો આત્મનિર્ભર બનશે.

વડાપ્રધાને જણાવ્યું કે ભારતની સમૃદ્ધિ થકી વૈશ્વિક સમૃદ્ધિને મદદ મળશે. ભારતની સ્વતંત્રતા ચળવળને યાદ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, ભક્તિયુગમાં આપણે સંગઠીત થયા હતા. શીખવાની ચળવળથી આપણને બૌદ્ધિક તાકાત પ્રાપ્ત થઈ અને શિવાજી, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સહિતના વીરોની કર્મની લડાઈથી આપણે હક સામે લડવાની શક્તિ પ્રાપ્ત થઈ હતી. વિશ્વ ભારતી ગુરૂ રવિન્દ્રનાથ ટાગોરની ફિલસૂફી, દ્રષ્ટિ અને પરિશ્રમનું મૂર્ત સ્વરૂપ છે.

(8:32 pm IST)