Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

BCCIની નવી પસંદગી સમિતિ જાહેર : વિશ્વકપમાં હેટ્રીક લેનાર ચેતન શર્મા નવા ચેરમેન પદે નિયુક્ત

બોલર અભય કુરુવિલાઅને દેબાશિષ મોહંતીને પણ 5 સભ્યોવાળી પસંદગી સમિતિમાં નિમણૂંક

મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર ચેતન શર્માને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિલેક્શન કમીટીના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. ચેતન શર્મા વર્તમાન ચેરમેન સુનિલ જોષીનું સ્થાન લેશે. ચેતન શર્માની સાથે જ પૂર્વ ઝડપી બોલર અભય કુરુવિલાઅને દેબાશિષ મોહંતીને પણ 5 સભ્યોવાળી પસંદગી સમિતિમાં નિમણૂંક કરવામાં આવી છે.

 BCCIના ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)એ 3 સભ્યોને સ્થાન માટે ઈન્ટરવ્યુ લીધા હતા. જેમાં આ ત્રણેયની નિયુક્તિ કરવામાં આવી હતી. જોકે આ રેસમાં પૂર્વ દિગ્ગજ બોલર અજીત અગરકરનું નામ સૌથી આગળ ચાલી રહ્યુ હતુ. જોકે તેની પસંદગી ના થઈ શકી.

મદનલાલ, આરપી સિંહ અને સુલક્ષણા નાઈકની CACએ સિલેક્શન સમિતિમાં ખાલી રહેલી 3 જગ્યાઓ માટે 13 ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા હતા.જેમાં અજીત અગારકર, શિવ સુંદર દાસ,  નયન મોંગિયા અને મનિન્દર સિંહ જેવા પૂર્વ મશહૂર ક્રિકેટર પણ હતા. આ તમામને પછડાટ આપીને ત્રણેય પૂર્વ બોલરોના નામ પર સીએસીએ મહોર લગાવી હતી. BCCIએ આ ત્રણેય નામોનું એલાન કર્યુ હતુ, આ ત્રણેય સભ્યો સિલેક્શન કમિટીમાં સુનિલ જોશી અને હરવિંદર સિંહ સાથે જોડાશે. જેમને આ વર્ષની શરુઆતમાં જ નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાંચેય સદસ્યોમાંથી સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાને લઈને ચેતન શર્માને વરિષ્ઠતાના આધાર પર નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે

 

BCCIની તરફથી અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, કે વરિષ્ઠતાને આધારે ચેતન શર્માની પસંદગી કરવામાં આવી છે. વરિષ્ઠતા ટેસ્ટ મેચની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવી છે. CAC એક વર્ષ બાદ તમામ ઉમેદવારોના કામની સમિક્ષા કરશે અને તેના આધાર પર BCCIને પોતાનો રિપોર્ટ સોંપશે. પૂર્વ ઝડપી બોલર ચેતન શર્માએ 1984માં પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. વર્ષ 1989 સુધી ભારતને માટે 24 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેમણે 61 વિકેટ ઝડપી હતી. ટેસ્ટના એક વર્ષ અગાઉ 1983માં વન ડેમાં ડેબ્યુ કર્યુ હતુ.

65 વન ડે મેચમાં શર્માએ ભારતના માટે 67 વિકેટ ઝડપી હતી. તેમના નામે એક સદી પણ નોંધાયેલી છે. ચેતન શર્માએ કેરિયરમાં સૌથી મોટી ઉપલબ્ધી 1987ના વિશ્વકપમાં મેળવી હતી. ભારતમાં જ રમાયેલા આ વિશ્વકપમાં ચેતન શર્માએ ન્યુઝીલેન્ડની સામે હેટ્રીક મેળવીને ઈતિહાસ રચી દીધો હતો. તે વિશ્વકપમાં હેટ્રીક લેનારો વિશ્વનો પ્રથમ બોલર હતો. એટલુ જ નહીં વન-ડેમાં ભારત તરફથી આ પહેલી વાર હેટ્રીક હતી.

(12:37 am IST)