Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કોરોના તાંડવ : બ્રાઝિલમાં ૧ દિ'માં રેકોર્ડબ્રેક ૩૨૫૧ લોકોના મોત

કોરોનાથી સૌથી વધારે મોત મામલે બ્રાઝિલ દુનિયાભરમાં બીજા નંબરે : બ્રાઝિલ રાષ્ટ્રપ્રમુખ પર બેદરકારીનો આક્ષેપ, હોસ્પિટલોની સ્થિતી ખરાબ

લંડન,તા. ૨૫: દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલમાં કોરોના વાયરસની જીવલેણ ગતિએ સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. અહીં પ્રથમ વખત એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપને કારણે ૩૦૦૦થી વધુ લોકોનાં મોત નીપજયાં છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દરરોજ કોરોના વાયરસથી થતા મોત મામલે બ્રાઝિલ વિશ્વમાં ટોપ પર છે. મંગળવારે બ્રાઝિલમાં ૩૨૫૧ લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે.

બ્રાઝિલનું સૌથી વધુ વસ્તી ધરાવતાં રાજય સાઓ પાઉલોમાં ૧૦૨૧ મૃત્યુ થયા છે, જે અગાઉના સૌથી વધુ ૭૧૩ની સંખ્યા કરતા ઘણા વધારે છે. ગયા વર્ષે જુલાઈમાં અહીં કોવિડ -૧૯ના કારણે ૭૧૩ લોકોનાં મોત નીપજયાં હતાં. રોગચાળો લગભગ બ્રાઝિલની આરોગ્ય પ્રણાલીનો નાશ કરી ચૂકયો છે. હોસ્પિટલોમાં આઈસીયુ બેડ અને ઓકિસજન ભંડારની અછત છે. તાજેતરના સમયમાં મોટાભાગના રાજયોએ પ્રતિબંધો પણ મૂકયા છે.

જહોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ બ્રાઝિલમાં કુલ મૃત્યુઆંક ૩૦૦,૦૦૦ની નજીક પહોંચી ગયો છે, જે કોવિડ -૧૯થી મૃત્યુની બાબતમાં વિશ્વમાં અમેરિકા પછી બીજા ક્રમે છે. મૃત્યુ અને ચેપના મામલે અમેરિકા હજી ટોપ પર છે. જયારે, ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. રસીકરણ પછી પણ ચેપની વધતી ગતિએ વિશ્વની ચિંતા વધારી દીધી છે.

(10:32 am IST)