Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કોરોના સામે ખરી ઉતરી એસ્ટ્રેજેનેકા રસી

હાલમાં કરાયેલ અમેરિકન ટ્રાયલમાં ૭૬ ટકા અસરકારક જોવા મળી

લંડન તા. ૨૫ : કોરોના મહામારી સામેની લડાઇમાં તમામ આશંકાઓ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. એસ્ટ્રેજેનેકાએ ગુરૂવારે જણાવ્યું કે, તેની રસી કોરોના વાયરસ વિરૂધ્ધ બહુ અસરકારક છે. એસ્ટ્રાજેનેકાએ જણાવ્યું કે તેની રસી કોરોનાને રોકવામાં ૭૬ ટકા અસરકારક છે. એસ્ટ્રેજેનેકા અનુસાર તાજી અમેરિકન ટ્રાયલમાં તેની રસી ૭૬ ટકા જેટલી અસરકારક જોવા મળી છે.

આ પહેલા અમેરિકા અને બે દક્ષિણ અમેરિકન દેશોમાં મોટાપાયે કરાયેલ એક પરિક્ષણમાં આ રસી કોરોના સામે ૭૯ ટકા અસરકારક જોવા મળી હતી. જ્યારે ગંભીર સંક્રમણને રોકવામાં તે ૧૦૦ ટકા ખરી ઉતરી છે. બ્રિટનની ઓકસફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેજેનેકા દ્વારા વિકસીત આ રસીનું ઉત્પાદન ભારતની સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કરાઇ રહ્યું છે.  અમેરિકન ટ્રાયલમાં આ રસી બધી ઉંમર અને સમુદાયના લોકોમાં સમાન રૂપે અસરકારક સાબિત થઇ છે. ૬૫ વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોમાં આ રસી ૮૦ ટકા અસરકારક જોવા મળી છે. આ પહેલા એસ્ટ્રોજેનેકા દ્વારા અમેરિકા, ચીલી અને પેરૂમાં કરાયેલ ત્રીજા તબક્કાની ટ્રાયલમાં આ રસી સુરક્ષિત અને ઉચ્ચસ્તરીય અસરકારક જોવા મળી હતી. તે પહેલા બ્રિટન, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રીકામાં પણ આ રસીનું પરિક્ષણ કરાયું હતું. તેમાં પણ તે અસરકારક સાબિત થઇ હતી.

(12:51 pm IST)