Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનો ફુંફાડો

૨૪ કલાકમાં ૬ના મોત શહેરમાં બપોર સુધીમાં ૬૦ કેસ

સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ગઇકાલે સવારે ૮થી આજે સવારે ૮ સુધીમાં ૬ દર્દીઓ કોરોના સામે હારી ગયા : સિવિલ અને ખાનગી કોવિડમાં સારવાર માટે ૧૦૩૯ બેડ ખાલી : કુલ કેસનો આંક ૧૮,૦૩૦એ પહોંચ્યોઃ ૧૭,૨૩૦ લોકોએ કોરોનાને મ્હાત આપીઃ રિકવરી રેટ ૯૫.૮૮ ટકા થયો

રાજકોટ તા. ૨૫ : શહેર - જિલ્લામાં કોરોનાએ ફરી હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. ગઇકાલે એક પણ મોત નહી નોંધાયા બાદ આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ ૬નો ભોગ લીધો છે.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા.૨૪નાં સવારનાં ૮ વાગ્યા થી આજે તા.૨૫નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૬ દર્દીઓના મોત નિપજ્યા હતા.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૪૯૮ પૈકી ૧૦૩૯ બેડ ખાલી છે. નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૧૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૬ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

દરમિયાન શહેરમાં કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે. બપોર સુધીમાં ૬૦ કેસ નોંધાયા છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૬૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૮,૦૩૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૭,૨૩૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૫.૮૮ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૩૫૭૯  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૩૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૬૩  ટકા થયો  હતો. જયારે ૮૦  દર્દીઓે સાજા થયા હતા. જયારે આજ દિન સુધીમાં ૬,૪૬,૯૯૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૮,૦૩૦  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૮ ટકા થયો છે.

(3:16 pm IST)