Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

યુપીના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

મુસ્લિમ મહિલાઓને બુરખાથી છુટકારો અપાવીશું

૧૧૨- પર કોલ કરી મસ્જિદના લાઉડસ્પીકરથી થતી મુશ્કેલીની ફરિયાદ કરી શકાશે

બલિયા, તા.૨૫: ઉત્તર પ્રદેશના સંસદીય કાર્ય રાજયમંત્રી આનંદ સ્વરૂપ શુકલએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. અગાઉ મસ્જિદોની અઝાનના અવાજને નિયંત્રિત કરવા અને લાઉડ સ્પીકર હટાવવાના મુદ્દે વિવાદ ઊભો કરી ચૂકેલા યોગી સરકારના આ મંત્રીએ જણાવ્યું હતું કે, 'તીન તલાક પછી હવે મુસ્લિમ મહિલાઓને બુરખામાંથી પણ મુકિત અપાવવામાં આવશે.' આનંદ સ્વરૂપ શુકલએ બુરખા પ્રથા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે બુરખા પ્રથાને અમાનવીય વ્યવહાર અને કુરિવાજ ગણાવ્યો હતો. શુકલએ જણાવ્યું હતું કે, ઘણા મુસ્લિમ દેશોમાં બુરખા પર પ્રતિબંધ છે. આ વ્યવહાર અમાનવીય છે અને તેને કુરિવાજ ગણવો જોઇએ. વિકસિત વિચારધારા ધરાવતા મુસ્લિમો બુરખો પહેરતા નથી અને તેને પ્રોત્સાહન પણ આપતા નથી.

અગાઉ શુકલએ મસ્જિદોમાં મોટા અવાજે વાગતી અઝાન અંગે બલિયાના જિલ્લા અધિકારીને પત્ર લખ્યો હતો અને તેમાં બલિયાની મસ્જિદોમાં લાઉડ સ્પીકરના અવાજને નિયંત્રિત કરવા અને લાઉડસ્પીકર હટાવવા જણાવ્યું હતું. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, 'પરોઢિયે ચાર વાગ્યે અઝાન શરૂ થાય છે અને ત્યાર પછી ફાળાની ઉદ્યરાણી માટે ચાર-પાંચ કલાક સુધી સૂચના આપવામાં આવે છે. તેના લીધે મને પૂજા-પાઠ, યોગ, વ્યાયામ અને વહીવટી કામકાજમાં મુશ્કેલી થાય છે.'

મંત્રીએ જણાવ્યું હતું કે, 'જાહેર જનતા ૧૧૨ પર કોલ કરીને મસ્જિદમાં લગાવેલા લાઉડસ્પીકરથી થતી મુશ્કેલી અંગે ફરિયાદ કરી શકે.'

તેમણે કહ્યું હતું કે, 'મેં જિલ્લા અધિકારીને જે પત્ર લખ્યો તેના પર કાર્યવાહી થશે. મારા પત્ર બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું આગામી પગલાં માટે વિચારણા કરીશ.' ઉલ્લેખનીય છે કે, મસ્જિદોમાં પરોઢિયે વાગતી અઝાન ઘણા સમયથી વિવાદનો વિષય રહી છે. જાણીતા પાર્શ્વગાયક સોનુ નિગમે પણ થોડા વર્ષ પહેલાં આ મુદ્દે વાંધો ઉઠાવ્યો ત્યારે સમગ્ર દેશમાં તે ચર્ચાનો વિષય બન્યો હતો.

(4:15 pm IST)