Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

હોળી-ધૂળેટીને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, પિચકારી-કલરનું વેચાણ ઠપ્પ :વેપારીઓને અબજોના નુક્શાનની આશંકા

દેશભરમાં દર વર્ષે 25,000 કરોડ રૂપિયાનો વેપાર-ધંધો: માત્ર દિલ્હીમાં જ 1500 કરોડ રૂપિયાનો બિઝનેસ થાય છે

નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષથી તમામ તહેવારો - ઉજવણીને કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યુ છે. ભારતમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધતા હોળી-ધૂળેટીની જાહેર ઉજવણી ઉપર ઘણા રાજ્યોમાં કડક પ્રતિબંધો લાદવામા આવ્યા છે. જેના લીધે લોકોમાં હોળી-ધૂળેટીની ઉજવણી કરવાનો ઉત્સાહ પણ દેખાઇ રહ્યો નથી જેની સીધી અસર હોળીના તહેવારોમાં વેચાતા પિચકારી, રંગ-ગુલાલ સહિતના માલસામાનના વેચાણ પર થઇ હી છે. એક સામાન્ય અંદાજ મુજબ કોરોના મહામારીના પ્રતિબંધોને લીધે વર્ષે હોળીના તહેવારોના વેચાણને 25,000 કરોડનુ નુકસાન થવાની આશંકા છે

દેશભરમાં દર વર્ષે 25,000 કરોડ રૂપિયાનો વેપાર-ધંધો થાય છે. જેમાં માત્ર દિલ્હીમાં જ 1500 કરોડ રૂપિયાનો બિઝનેસ થાય છે. પરંતુ આ વખતે હોળી પર પિક્ચર- ગુગાલ - કલર વગેરે માલસામાનના વેચાણમાં જંગી ઘટાડો થયો છે અને હોળીની પહેલા બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. દિલ્હીના સદર બજારના પિચકારી વિક્રેતા અનિલ શર્માએ કહ્યુ કે, કોરોનાના લીધે આ વખતે હોળી પર અમારો 25 ટકા પણ સ્ટોક વેચાયો નથી. અમારા ગોદામ માલથી ભરેલા છે પરંતુ ખરીદદારો-ગ્રાહકો આવી રહ્યા નથી. ઉપરાંત મોંઘવારી વધવાની પણ અસર દેખાઇ રહી છે. જે પિચકારી પાછલા વર્ષે 80-90 રૂપિયામાં મળતી હતી તેના ભાવ વધીને હવે 120- 130 રૂપિયા થઇ ગયા છે.

હાલ સરકારે હોળી જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે, ત્યારબાદ થી જ ઘણા મોટા ઓર્ડર કેન્સલ થવાના શરૂ થઇ ગયા છે. હાલ કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધ્યુ હોવાના અહેવાલથી લોકો સાવધાન થઇ ગયા છે અને ફરી પહેલા જેવા જુસ્સા અને ઉત્સાહ સાથે હોળીની ઉજવણી કરવાના મૂડમાં દેખાઇ રહ્યા નથી.

(6:47 pm IST)