Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

મુંબઇમાં 24 કલાકમાં કોરોનાનો નવો રેકોર્ડ એક દિવસમાં સૌથી વધુ 5500 કેસો નોંધાયા

મુંબઈમાં બે લાખ લોકો પાસેથી એક મહિનાથી ઓછા સમયમાં દંડ તરીકે ચાર કરોડ રુપિયા વસુલ્યા

મુંબઈ : મહારાષ્ટ્ર અને આ રાજ્યના મહાનગર મુંબઇના કોરોના સંક્રમણના નવા કેસો ડરાવવા લાગ્યા છે. મહાનગર મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,504 નવા કેસો નોંધાયા છે. શહેરમાં એક દિવસમાં કોરોનાના કેસોની આ સર્વાધિક સંખ્યા છે. કોરોનાના કારણે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. બુધવારે મુંબઇમાં 5,185 નવા કેસો નોંધાયા હતા.

મુંબઇમાં માસ્ક ન પહેરનારા સામે પોલીસ કડકાઇ દાખવી રહી છે. મુંબઇ પોલીસે માસ્ક ન પહેરાનારા શહેરના લગભગ બે લાખ લોકો પાસેથી એક મહિનાથી ઓછા સમયમાં દંડ તરીકે ચાર કરોડ રુપિયા વસુલ્યા છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ દંડ 20 ફેબ્રુઆરીથી એકત્ર કરવામાં આવી રહ્યો છે.

મુંબઇ પોલીસના પ્રવક્તા ડીસીપી એસ ચૈતન્યે કહ્યું કે શહેરના જુદાજુદા સ્થળોએ માસ્ક ન પહેરનારા પાસેથી જે દંડ વસૂલાયો છે તેમાંથી 50 ટકા બીએમસી પાસે જશે અને બાકીની રકમ પોલીસ કલ્યાણ નિધિમાં આપવામાં આવશે. મહત્વનું છે કે શહેરમાં ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 3 સપ્તાહમાં ચાર ગણાં દર્દી વધી ગયા છે.

(9:14 pm IST)