Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન કોરોનાગ્રસ્ત હોવા છતાં બોલાવી મીટિંગ: જબરી ફજેતી થઇ

સૂચના પ્રસારણ મંત્રી શિબ્લી ફરાજએ તસવીરો શેર કરતા મજાકનું પાત્ર બન્યા : સોશ્યલ મીડિયામાં લોકોએ માછલાં ધોયા

કોરોનાગ્રસ્ત હોવા છતાં પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને મીટિંગ બોલાવીને પોતાની અને દેશની ફજેતી કરી છે. પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી શિબ્લી ફરાજએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી હતી, જેમાં પાક પીએમ ઇમરાન ખાન તેની મીડિયા ટીમની સાથે બેઠક કરી રહેલા દેખાઈ રહયા છે, જો કે આ તસ્વીર શેર થયા પછી સોશિયલ મીડિયામાં ઇમરાન ખાનની ઘણી મજાક કરવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ હોવા છતાં ઇમરાન ખાન એક રુમમાં 6 લોકો સાથે જોવા મળ્યા હતા.

આ મિટિંગની પહેલા જ 20 માર્ચે ઇમરાન ખાન અને તેની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ હોમ આઇસોલેશનમાં રહેવાની જગ્યાએ આવી રીતે મિટિંગ કરી રહેલા દેખાય છે જેને લઈને સોશિયલ મીડિયા પર તેમની ઘણી ફજેતી થઇ રહી છે, જો કે આ મિટિંગમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઇ રહેલું દેખાઈ રહ્યું છે, અને ઇમરાન ખાન પોતે માસ્ક લગાડીને બેઠા છે, તો પણ યુઝર્સે તેમને નિશાના પર લીધા હતા, અમુક યુઝર્સે કહ્યું હતું કે આ ખૂબ જ ખોટું અને બેજવાબદારીભર્યું છે., રજા હારુન નામના એક નેતાએ તો કહ્યું કે આપણા પ્રધાનમંત્રીએ એક ખરાબ ઉદાહરણનું ગંદુ પ્રેઝન્ટેશન આપ્યું, આ મીટિંગ જો ખરેખર એટલી જ જરૂરી હતી તો તેને વર્ચ્યુઅલ માધ્યમથી પણ કરી શકાઇ હોત, આ કોરોના ગાઇડલાઇન્સ અને એસઓપીનું ઉલ્લંઘન છે, ખરાબ સલાહકારોની અક્ષમ ટીમ.

એક યુઝરે આ તસવીરો શેર કરનાર મંત્રીએ પણ તેમનો કોરોના રિપોર્ટ કઢાવી લેવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે પાક પીએમ ઈમરાન ખાને ચીનની sinovac વેક્સિન લીધી હતી, તેમ છતાંય તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

(12:29 am IST)