Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

દિલ્હીમાં ભાજપનાં મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યપ્રધાનોની બેઠક : આગામી ચૂંટણીઓને લઈ રણનીતિ ઘડાઈ શકે !

મોદી સરકારના છેલ્લા 8 વર્ષમાં થયેલા કામોને જનતા સમક્ષ રજૂ કરવાની રણનીતિ તૈયાર કરવા પર ચર્ચા થઈ શકે

દિલ્લી તા.24 : આગામી સમયમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી અને 2024ની લોકસભાની ચૂંટણીને લઈ આજે દિલ્હીમાં બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપ મુખ્યપ્રધાનોની બીજેપી હેડક્વાર્ટર ખાતે બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ભાગ લેવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય નેતાઓ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા છે.

બીજેપી મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમનું પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપી હેડક્વાર્ટર ખાતે મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં હાજરી આપી હતી.

બીજેપીના મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, યુપીના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક, ત્રિપુરાના સીએમ માણિક સાહા અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે દિલ્લીમાં યોજાનારી મુખ્યપ્રધાનોની બેઠકમાં મોદી સરકારના છેલ્લા 8 વર્ષમાં થયેલા કામોને જનતા સમક્ષ રજૂ કરવાની રણનીતિ તૈયાર કરવા પર ચર્ચા થઈ શકે છે. આ સાથે કેટલાક રાજ્યોમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવા માટે વાતચીત થઈ શકે છે. એવી વાત પણ સામે આવી છે કે, પાર્ટીને મજબૂત કરવા અને આગળના સ્તરે કમિટી બનાવવાની પણ આ બેઠકમાં મંજૂરી મળી શકે છે.

તેલંગાણામાં ભાજપના સંગઠન મહાસચિવનું કામ સંભાળી રહેલા એમ શ્રીનિવાસુલુને પંજાબમાં સંગઠન મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. ગોવામાં ભાજપના મહાસચિવની જવાબદારી સંભાળી રહેલા સતીશ ધોંડ હવે પશ્ચિમ બંગાળમાં પાર્ટીના સહ-સંગઠન મહાસચિવનું કામ સંભાળશે. તેનું કેન્દ્ર આસનસોલ હશે. ભાજપમાં સંગઠન મહામંત્રીનું પદ ખૂબ મહત્વનું અને શક્તિશાળી છે. આ પદ પર આરએસએસમાંથી આવેલા લોકોને જવાબદારી સોંપવામાં આવે છે. સંગઠન મહાસચિવ સંઘ અને ભાજપ વચ્ચેની કડી તરીકે પણ કામ કરે છે અને મુખ્ય સંગઠનાત્મક પ્રવૃત્તિઓ પણ કરે છે.

(8:30 pm IST)