Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

GST હેઠળ સમન્‍સ - નોટીસ ઇસ્‍યૂ કરવા માટે SOP અમલી બનશે

વેપારીઓને થતી કનડગત અટકાવવા ચાંપતી નજર રખાશે : SOP માટેના મુસદ્દાને અંતિમ ઓપ : ટૂંક સમયમાં જાહેરાત બાદ અમલ : નોટીસ ઇસ્‍યુ કરવામાં રોકાયેલા રહેતા હોવાને કારણે ‘રીકવરી'ને માઠી અસર થાય

નવી દિલ્‍હી તા. ૨૫ : સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્‍ટ ટેક્‍સીસ (CBIC)એ, વેપારીઓને ખોટી હેરાનગતિ થતી અટકાવવા માટે ગુડ્‍ઝ એન્‍ડ સર્વસ ટેક્‍સ (GST) હેઠળ આપવામાં આવતી નોટિસ અને સમન્‍સ ઈસ્‍યુ કરવા માટે ટુંક સમયમાં વિસ્‍તૃત સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) બહાર પાડશે. SOP માટેના મુસદ્દાને અંતિમ ઓપ આપવામાં આવ્‍યો છે અને તે અંગે વિવિધ સ્‍તરે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્‍યાનુસાર, સેન્‍ટ્રલ બોર્ડ એફ ઈનડાયરેક્‍ટ ટેક્‍સીસ, GST વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી તપાસ અને તપાસમાં થયેલી પ્રગતિ તેમજ તપાસ હાથ ધરવા માટે અપનાવવામાં આવતી પદ્ધતિ અને કાર્યવાહી પર દેખરેખ રાખી રહ્યું છે અને તેના પરિણામે અધિકારીઓને વધુ જવાબદાર બનાવશે અને તપાસની કાર્યવાહી અને પદ્ધતિને વધુ પારદર્શી બનાવશે. અત્‍યાર સુધી વિવિધ કેસોમાં તપાસ હાથ ધરતા અધિકારીઓ માટે સ્‍પષ્ટ માર્ગદર્શિકા અને આચારસંહિતાનો અભાવ હોવાને કારણે GST વિભાગ માટે રૂપરેખા તૈયાર કરવાનું મુશ્‍કેલ હતું.

GSTના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે, ગુડ્‍ઝ એન્‍ડ સર્વિસ ટેક્‍સ સંબંધિત કેસમાં તપાસ કાર્યવાહી કરનાર અધિકારીઓ માટે GST હેઠળ નોટિસ અને સમન્‍સ ઈસ્‍યુ કરવા માટે અમારી પાસે કોઈ SOP ન હોવાને કારણે તપાસ કાર્યવાહીમાં આ બે સૌથી મોટી મુશ્‍કેલી અને અવરોધ હતા. એકવાર સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ સિસ્‍ટમ (SOP) અમલમાં આવે પછી અમારી પાસે કોઈપણ હદ સુધી પ્રશ્નો પૂછી શકીશું અને પૂછપરછ કરી શકીશું. SOP માટેના મુસદ્દાને આખરી ઓપ આપવામાં આવ્‍યો છે અને GST હેઠળ નોટિસ અને સમન્‍સ ઈસ્‍યુ કરવા સંબંધિત પક્ષકારો વચ્‍ચે વ્‍યાપક પરામર્શ કરાયો છે અને તે અંગેની જોગવાઈઓ તૈયાર કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્‍યું છે કે, સૂચિત SOPમાં એક જ વિષય કે મુદ્દે કેન્‍દ્ર અને રાજયોના સત્તાધિકાર હેઠળ વારંવાર નોટિસ અપાશે નહીં. કેટલાંક કિસ્‍સામાં GST અધિકારીઓ, હીયરિંગ માટે કંપનીના ચીફ એક્‍ઝીક્‍યુટિવ ઓફિસર, ફાયનાન્‍સના ચીફ અને ચીફ એક્‍ઝીક્‍યુટિવને પણ હાજર રહેવા બોલાવતા હોય છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ એવી ફરિયાદો કરી છે કે, કેટલીકવાર એક જ બાબતે અને મુદ્દે ડીપાર્ટમેન્‍ટ તરફથી એક કરતાં વધુ નોટિસો આપવામાં આવે છે અને તેના કારણે તેના જવાબો કરવા, રજુઆતો કરવામાં વધુ સમય વેડફાય છે તેમજ ડીપાર્ટમેન્‍ટના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ફક્‍ત નોટિસ ઈસ્‍યુ કરવામાં રોકાયેલા રહેતા હોવાને કારણે ‘રીકવરી'ને માઠી અસર થાય છે.

(10:21 am IST)