Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

સાઉદી અરેબિયા ૭૬૬ અબજ ખર્ચીને ૧૨૦ કિમી લાંબી, ૧૬૦૦ ફૂટ ઊંચી ઇમારતો રણમાં બનાવશે

વિશ્વની ૮મી અજાયબી હશે : બનાવવામાં ૫૦ વર્ષનો સમય લાગશે : બિલ્‍ડીંગમાં ઘર અને ખેતર હશે

રિયાધ તા. ૨૫ : સાઉદી અરેબિયા ૮૦૦ બિલિયન પાઉન્‍ડ (રૂ. ૭૬૬ બિલિયન)ના ખર્ચે ‘સાઇડવે ગગનચુંબી ઇમારત' બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ ઈમારત લગભગ ૧૨૦ કિલોમીટર લાંબી હશે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં ૫૦ લાખ લોકો રહેશે. આ પ્રોજેક્‍ટને ‘મિરર લાઇન' નામ આપવામાં આવ્‍યું છે કારણ કે તેના નિર્માણમાં અરીસાઓનો ઉપયોગ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની સાઈઝ લગભગ મેસેચ્‍યુસેટ્‍સ જેટલી હશે અને તે એમ્‍પાયર સ્‍ટેટ બિલ્‍ડીંગ કરતા પણ ઉંચી હશે.

અહેવાલો અનુસાર, સાઉદી ક્રાઉન પ્રિન્‍સ મોહમ્‍મદ બિન સલમાને જાન્‍યુઆરી ૨૦૨૧ માં આ વિશાળ ઇમારત માટે તેમની યોજના જાહેર કરી હતી. ઇજિપ્તના પિરામિડની તર્જ પર સાઉદી અરેબિયાના પોતાના પિરામિડ બનાવવાના હેતુ વિશે પણ જણાવ્‍યું. પરંતુ આયોજકો પ્રોજેક્‍ટની કિંમત પર સવાલ ઉઠાવી રહ્યા છે અને પૂછે છે કે શું લોકો રોગચાળા પછી મર્યાદિત જગ્‍યામાં રહેવા માટે તૈયાર થશે.

સાઇડવે ગગનચુંબી ઇમારત ‘મિરર લાઇન' ‘નીઓમ' નામના રણના શહેરનો ભાગ હશે અને તેમાં રણમાં એકબીજાની સમાંતર બે ૧,૬૦૦ ફૂટ ઊંચી ઇમારતો હશે અને તેને બનાવવામાં ૫૦ વર્ષનો સમય લાગશે. આ એટલો લાંબો હશે કે એન્‍જિનિયરોને પૃથ્‍વીના વળાંકને ધ્‍યાનમાં લેવા માટે સ્‍ટ્રટ્‍સની જરૂર પડશે અને તેની પોતાની હાઇ-સ્‍પીડ રેલ્‍વે લાઇન હશે. વોલ સ્‍ટ્રીટ જર્નલે અહેવાલ આપ્‍યો છે કે વિશાળ પ્રોજેક્‍ટ દેશના પશ્ચિમમાં અકાબાના અખાતમાંથી પર્વતમાળા અને રણમાંથી પસાર થશે.

આ બિલ્‍ડિંગને એક છેડેથી બીજા છેડા સુધી જવા માટે ૨૦ મિનિટ લાગશે અને તે રિન્‍યુએબલ એનર્જી દ્વારા સંચાલિત થશે. તેમાં માઈલોની હરિયાળી અને ઘરો અને ખેતરો પણ હશે જયાંથી ૫૦ લાખ લોકોને ભોજન મળશે. અહીં રહેતા લોકોએ દિવસમાં ત્રણ સમયના ભોજન માટે બિલ્‍ડિંગમાં સબ્‍સ્‍ક્રાઇબ કરવું પડશે. પ્રિન્‍સ એમબીએસએ જણાવ્‍યું હતું કે આ ઇમારત કાર્બન ન્‍યુટ્રલ હશે અને તેનું પોતાનું સ્‍ટેડિયમ જમીનથી ૧,૦૦૦ ફૂટ ઉપર હશે.

(10:21 am IST)