Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

આર્ટિકલ ૩૭૦ અને CAA કાયદા પર રામનાથ કોવિંદ મૌન રહ્યા

પૂર્વ રાષ્‍ટ્રપતિ પર મહેબૂબા મુફતીએ કર્યા પ્રહારઃ ભાજપ સરકારને પણ લીધી આડે હાથ

નવી દિલ્‍હી તા. ૨૫ : દેશને આજે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્‍યા છે. દ્રૌપદી મુર્મૂએ જેવા રાષ્ટ્રપતિ પદના શપથ લીધા કે, તુરંત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર જમ્‍મુ કાશ્‍મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીએ આકરા પ્રહારો કર્યા હતા.

દ્રૌપદી મુર્મૂએ દેશના ૧૫માં રાષ્ટ્રપતિ તરીકે આજે સંસદભવનમાં શપથ લીધા છે. તેમના શપથ લેતાની સાથે જ જમ્‍મુ કાશ્‍મીરના પૂર્વ સીએમ અને પીડીપીના ચીફ મહેબૂબા મુફતીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર પ્રહાર કર્યા છે.ᅠ તેમણે ટ્‍વિટ કરીને કહ્યું કે, આર્ટિકલ ૩૭૦ની વાત હોય કે, નાગરિકતા કાનૂન (CAA) હોય કે, પછી અલ્‍પસંખ્‍યકો અથવા દલિતોને ટાર્ગેટ કરવાનું હોય, રામનાથ કોવિંદે હંમેશા ભારતીય સંવિધાનના નામ પર ભાજપના રાજકીય એજન્‍ડા પુરા કર્યા છે. મહેબૂબા મુફતીએ કહ્યું કે, નિવર્તમાન રાષ્ટ્રપતિ (રામનાથ કોવિંદ) પોતાની પાછળ એક એવી વિરાસત છોડી ગયા છે, જયાં ભારતીય સંવિધાનને અનેકો વખત કચડવામાં આવ્‍યું છે.ᅠ

જમ્‍મુ કાશ્‍મીરના પૂર્વ મુખ્‍યમંત્રી મોટા ભાગે અલગ અલગ મુદ્દાને લઈને ભાજપ પર પ્રહારો કરતા આવ્‍યા છે. આ અગાઉ તેમણે હર ઘર તિરંગાને લઈને પ્રહાર કર્યા હતા. તેમણે ટ્‍વિટ કરતા કહ્યું હતુ કે, જમ્‍મુ કાશ્‍મીરમાં જે રીતે પ્રશાસન વિદ્યાર્થીઓ, દુકાનદારો અને કર્મચારીઓને રાષ્ટ્રીય ધ્‍વજ ફરકાવવા માટે પૈસા આપવા માટે મજબૂર કરી રહ્યા છે, એવું લાગે છે કે, કાશ્‍મીર એક દુશ્‍મન ક્ષેત્ર છે, જેને કબ્‍જો કરવાની જરૂર છે. તો વળી આ અગાઉ પણ મુફતીએ કહ્યું હતું કે, આ દેશને જવાહરલાલ નહેરુ, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા નેતાઓના લોહી પરસેવાથી બનાવ્‍યો છે. જેના આધારે લોકતંત્ર અને ધર્મનિરપેક્ષ હતો. ભાજપ તેનાથી વિપરીત ચાલી રહી છે. મેં મારા જીવનમાં તેનાથી ભ્રષ્ટ સરકાર જોઈ નથી. જેવી રીતે ભાજપે મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન, ગોવા કે મહારાષ્ટ્રમાં ધારાસભ્‍યોને ખરીદ વેચાણ કરે છે, ભ્રષ્ટાચારનું આનાથી મોટુ ઉદાહરણ ઈતિહાસમાં નથી.

(4:29 pm IST)