Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

પોતાની મૂછ પર ગર્વ છે કેરળની મહિલાને

લોકો મજાક ઉડાવે છે પણ...

કુન્નુર, તા. રપ : છોકરીઓના ચહેરા પર વાળ હોય અથવા સામાન્‍ય કરતા થોડા વધુ વાળ હોય તે ઘણીવાર જોવા મળે છે. પરંતુ કેટલીકવાર એવી મહિલાઓ પણ જોવા મળે છે, જેમના ચહેરા પર દાઢી અથવા મૂછો ઉગે છે. અચાનક આવી છોકરીઓ ભીડમાં ચર્ચાનું કેન્‍દ્ર બની જાય છે. આ વાળને દૂર કરવા માટે મોટાભાગની મહિલાઓ વિવિધ ઉપાયો અપનાવે છે, પરંતુ જો કોઈ મહિલા આ વાળ રાખવા માંગતી હોય તો શું કરવું. આવી જ એક મહિલાની કહાની આજકાલ ચર્ચામાં છે, જેના ચહેરા પર મૂછ છે પરંતુ તે તેને રાખવામાં ગર્વ અનુભવે છે.

મામલો કેરળના કન્નુર જિલ્લાનો છે, જ્‍યાં ૩૫ વર્ષની શાયઝા તેની મૂછોને કારણે ચર્ચામાં છે, જ્‍યાં ઘણા લોકોએ તેને આ માટે સપોર્ટ કર્યો, જ્‍યાં તેને ઘણા લોકો તરફથી ટોણા પણ મળ્‍યા, પરંતુ તેણીનું કહેવું છે કે તેના ચહેરાના વાળ સાથે સંબંધિત લોકોની રુચિને લઇને તે બેફિકર રહે છે. જ્‍યારે લોકો તેને મળે છે અને પૂછે છે ત્‍યારે તેનો એક જ જવાબ હોય છે કે મને મૂછ રાખવી ગમે છે અને તેણે કયારેય તેને હટાવવાની જરૂર નથી સમજી અને હવે આ મૂછો વધી ગઈ છે જેના પર શાયઝા ગર્વ અનુભવે છે.

શાયઝા કહે છે કે ભલે દુનિયા તેના વિશે ગમે તે વિચારે, પરંતુ તેને આ વાતની કોઈ પરવા નથી, પરંતુ હવે તે મૂછ વગર રહી શકતી નથી. મૂછો પ્રત્‍યેના તેના પ્રેમને તમે એ હકીકત પરથી સમજી શકો છો કે કોરાના મહામારી દરમિયાન, તેમને માસ્‍ક પહેરવાનું પસંદ નહોતું કારણ કે તેનાથી તેનો ચહેરો ઢંકાયેલો રહેતો હતો અને મૂછો છુપાઇ જતી હતી. શાયઝા માટે, મૂછો માત્ર નિવેદનબાજીનો એક ભાગ નથી, પરંતુ તેનો પોતાનો એક ભાગ છે. તે કહે છે, હું તે કરું છું જે મને ગમે છે. જો મારી પાસે બે જીવન હોત, તો હું કદાચ બીજાઓ માટે જીવી હોત.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, શાયઝા છેલ્લા દસ વર્ષમાં અનેક ઓપરેશનમાંથી પસાર થઈ છે. ઘણી હેલ્‍થ પ્રોબ્‍લેમ્‍સમાંથી બહાર આવીને શાયઝા એટલી મજબૂત બની ગઈ છે કે તેને કોઈની પરવા નથી. તે માને છે કે તેણે એવું જીવન જીવવું જોઈએ જે તેને ખુશ કરે. તમારી માહિતી માટે, શાયઝા મૂછ ધરાવનાર વિશ્વની પ્રથમ મહિલા નથી, ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ્‍સ અનુસાર, ૨૦૧૬ માં, બોડી પોઝીટીવીટી પ્રચારક હરનામ કૌર સંપૂર્ણ દાઢી ધરાવતી વિશ્વની સૌથી નાની મહિલા બની હતી.

(4:30 pm IST)