Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

ચીન સાથેની વેપાર ખાદ્ય વધીને ૭૨.૯ અબજ ડોલર

ડોકલામ વિવાદ બાદ ભારત-ચીન વચ્ચે શીતયદ્ધ જારી : ભારત ચીન પાસેથી વધારે ચીજોની આયાત કરે છે અને સામે નિકાસ ઓછી કરે છે એટલે ખાધ વધી રહી છે

નવી દિલ્હી, તા.૨૫ : ભારત અને ચીન વચ્ચે ડોક્લામ ખાતે સરહદી સંઘર્ષ થયા બાદ બન્ને દેશ વચ્ચે એક પ્રકારે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. ચીનની વસ્તુઓના બહિષ્કારથી લઇ ભારત સરકારે ચીનની સત્તા ઉપર અંકુશ મુકવા ઇચ્છતા દેશો સાથે રાજદ્વારી સંબંધો વધારે મજબૂત કરવાની શરૃઆત કરી છે. ભારત સરકારે ચીનની કંપનીઓ દ્વારા શરુ કરવામાં આવેલી ૪૦૦ જેટલી મોબાઈલ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ પણ મુક્યો છે. જોકે, ભારતના અર્થતંત્રનો ચીન ઉપરનો આધાર ઘટ્યો નથી.

વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોનાના કારણે ભારતીય અર્થતંત્ર મંદ પડતા ચીન સાથે આયાત અને વેપારની ખાધમાં ઘટાડો જોવા મળ્યો હતો. પણ ૨૦૨૧-૨૨માં તે ફરી વધી હતી અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં પણ તેમાં વધારો જોવા મળ્યો હોવાનું દેશના ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સના આંકડા જણાવે છે.

વર્ષ ૨૦૨૦-૨૧માં દેશની ચીન સાથે વેપાર ખાધ ૪૮.૬ અબજ ડોલર હતી જે ૨૦૨૧-૨૨માં વધી ૭૨.૯ અબજ ડોલર પહોંચી છે એવું આ આંકડા પુરવાર કરે છે.

વેપાર ખાધ એટલે દેશની આયાત અને નિકાસનો તફાવત. ભારત ચીન પાસેથી વધારે ચીજોની આયાત કરે છે અને સામે નિકાસ ઓછી કરે છે એટલે ખાધ વધી રહી છે. મે મહિનામાં ભારતની ચીન થતી નિકાસ ૧.૬ અબજ ડોલર રહી હતી જે મે ૨૦૨૧માં ૨.૧ અબજ ડોલર હતી. આ વર્ષે એપ્રિલ અને મેં મહિનામાં દેશની ચીન ખાતેની કુલ બે મહિનાની નિકાસ ગત વર્ષના ૪.૪ અબજ ડોલર સામે ૩૧ ટકા ઘટી ૩ અબજ ડોલર રહી છે. બીજી તરફ, મે મહિનામાં આયાત ૫.૪૭ ટકા વધી છે અને એપ્રિલ અને મે એમ બે મહિનામાં આયાત ૧૨.૭૫ ટકા વધી છે.

સૌથી મહત્વનું છે કે ભારતમાં કૃષિ ઉત્પાદન માટે જરૃરી ફર્ટીલાઈઝર કે રસાયણિક ખાતરનું 

 ઓછું હોવાથી ભારતે તેની આયાત પણ કરવી પડે છે. લોકસભામાં રજૂ થયેલા આંકડા અનુસાર ભારતે વર્ષ ૨૨૦૨૧-૨૨માં કુલ ૯૧.૩૬ લાખ ટન યુરીયાની આયાત કરવાની ફરજ પડી હતી તેમાંથી ૨૮ ટકા કે ૨૫.૯૧ લાખ ટન ખાતર ચીનથી આયાત થયું હતું. આવી જ રીતે ડીએપી (ડાયએમોનિયમ ફોસ્ફેટ)ની કુલ ૫૪.૬૨ લાખ ટન આયાતમાં ચીનથી ત્રીજા ભાગનું કે ૧૮.૧૫ લાખ ટન ખાતર અઆવ્યું હતું.

જોકે, પોટેશિયમ કલોરાઈડ (એમઓપી) અને નાઇટ્રોજન, ફોસ્ફેરસ પોટાશ (એનપીકે) ફર્ટીલાઈઝરની ચીનથી બિલકુલ આયત થતી નથી. ભારતમાં એમઓપીનો એકપણ પ્લાન્ટ નહી હોવાથી તેની સંપૂર્ણ આયાત કરવી પડે છે.

               કુલ આયાત લાખ ટન ચીનથી આયાત લાખ ટન

યુરીયા      ૯૧.૩૬              ૨૫.૯૧

ડીએપી     ૫૪.૬૨              ૧૮.૧૫

એમઓપી   ૨૪.૬૦              એનએ

એનપીકે    ૧૧.૭૦              એનએ

(7:40 pm IST)