Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

અનલોક-૪નું કાઉન્ટડાઉન

લગ્ન પ્રસંગમાં છૂટછાટ સહિતની રાહતો મળશે

લગ્નોમાં ગમે તેટલા મહેમાનોની છૂટ મળે તેવી શકયતા : જો કે નિયમોનું પાલન કરવું પડશે : થિયેટરો પણ સાવચેતીના નિયમો સાથે ખુલશે

નવી દિલ્હી તા. ૨૫ : ૧ સપ્ટેમ્બરથી દેશભરમાં અનલોક-૪ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં હવે લગ્નપ્રસંગમાં પહેલાની જેમ ધામઘૂમથી મોટી સંખ્યામાં સગા સંબંધીઓ અને મહેમાનોની હાજરીમાં લગ્ન યોજી શકાશે. મીડિયા રિપોર્ટ મુજબ અનલોક-૪માં હવે ૫૦થી વધુ એટલે કે ગમે તેટલા મહેમાનોને બોલાવી શકાશે. પરંતુ સરકારની ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું રહેશે. એટલે કે, જો કોઈને ૧૦૦ મહેમાન બોલાવાના હોય તો તે લગ્નસ્થળ ૨૦૦ની ક્ષમતાવાળો હોવો જોઈએ. આ ઉપરાંત ૫ મહિનાથી બંધ રહેલા સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે. અનલોક-૪માં સિનેમાઘરો ખોલવા અંગે પણ નિયમો આવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પર્યટન અને સંસ્કૃતિના ક્ષેત્ર કોરોનાના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા સેકટર્સ પૈકી એક છે. કેન્દ્રીય પર્યટન મંત્રીના જણાવ્યાનુસાર હોટલ ઇન્ડસ્ટ્રીની રેવન્યૂનો મોટો હિસ્સો આ સેકટર્સમાં મીટિંગ, કોન્ફરન્સ તથા એકિઝબિશન જેવા આયોજનોથી મળે છે. મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર લખીને સૂચન કરાયું છે કે બેન્કવેટ હોલ અને કોન્ફરન્સ રૂમમાં ૫૦% ક્ષમતામાં લોકોને આમંત્રિત કરીને આયોજનની છૂટ આપવામાં આવે. અનલોક-૪ અંગેના નવા આદેશમાં આ બાબતોનો સમાવેશ કરવામાં આવે તેવી શકયતા છે.

મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે જ સ્કૂલો ખોલવાનો આદેશ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ દેશભરની સ્કૂલો અને વાલીઓએ રાજય સરકારો દ્વારા કેન્દ્રને મોકલેલા અભિપ્રાયમાં જણાવ્યું છે કે સ્કૂલો ખોલવાનો નિર્ણય સ્થિતિ સામાન્ય થયા પછી જ લેવામાં આવે. કેમ કે, સ્કૂલો ખોલવાથી બાળકોના સ્વાસ્થ્ય અને જીવનને જોખમ હોવાને કારણે ઉતાવળ કરવાની જરૂર નથી. આથી અનલોક-૪માં સ્કૂલો ખુલવાની શકયતા ઓછી છે. ઉલ્લેખનીય છે કે, માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ થયા બાદ ઉપરોકત પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂકાયો હતો.

(11:41 am IST)