Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

કેન્‍દ્રએ સુપ્રિમ કોર્ટને તેની ‘લક્ષ્મણ-રેખા' બતાવી

ચૂંટણી કમીશનરોની નિમણુંક મામલે કેન્‍દ્ર-સુપ્રિમ કોર્ટ વચ્‍ચે ટકકર : ચૂંટણી પંચ - ચૂંટણી કમીશનરોની પસંદગીમાં ન્‍યાયપાલિકા દખલ દઇ ન શકેઃ કેન્‍દ્રની સ્‍પષ્‍ટ વાત

નવી દિલ્‍હી તા.ર૪ : ચુંટણી કમિશનરોની નિમણુંકની પ્રક્રિયા પર સવાલ ઉઠવા અને તેમાં સુધારા લાવવાના બાબતને લઇને સુપ્રિમ કોર્ટ અને કેન્‍દ્ર સરકાર વચ્‍ચે ટકરાવની સ્‍થિતિ બનતી દેખાય છે. એક તરફ સુપ્રિમ કોર્ટ આ મામલામાં આક્રમક વલણ અપનાવી રહયુ છે તો કેન્‍દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને તેની ‘લક્ષ્મણ રેખા' યાદ અપાવી છે.

કેન્‍દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને કહયું છે કે મુખ્‍ય ચુંટણી કમિશનર અને ચુટણી કમિશનરોની નિમણુંકમા ન્‍યાય પાલિકાની કોઇ ભુમિકા હોય ન શકે. તેણે આ મામલે દખલ દેવી ન જોઇએ.  એટલું જ નહિ કેન્‍દ્ર સરકારે સુપ્રિમ કોર્ટના એ  સુચન સામે પણ વાંધો ઉઠાવ્‍યો  જેમાં કોર્ટ કહયું હતું કે મુખ્‍ય ન્‍યાયધીશના સભ્‍ય કમીટી નિયુકત કરે એ શ્રેષ્‍ઠ રીત હશે. આ બાબતે કેન્‍દ્ર સરકારે કહયુ હતુ કે નિયુકતી પ્રક્રિયામાં ચીફ જસ્‍ટીશને સામેલ કરવા ન્‍યાય પાલિકાની બીન જરૂરી દખલ જેવી હશે. સરકારે સ્‍પષ્‍ટ કહયુ હતુ કે જો આવુ થાય તો  પછી તે પાવરની વહેચણીના ઉલ્લંઘન જેવી બાબત થશે.

સરકારે કહયુ હતું કે કોર્ટનું એ કહેવું કે ચીફ જસ્‍ટીશ જો નિયુકતની પ્રક્રિયામાં સામેલ થશે તો સ્‍થિતિ સુદ્રઢ બનશેએ બાબત ખોટી છે. સરકારે કહયુ હતું કે જો અયોગ્‍ય વ્‍યકિતની નિમણુંક થાય તો કોર્ટ તેને બહાર કરી શકે છે.

(12:00 am IST)